અંકલેશ્વર હાઈવે પરની 7.78 લાખની ચોરીનો કેસ:કિમના જાવેદ વ્હોરાની ધરપકડ, અગાઉ 4 આરોપી પકડાયા હતા

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર તાલુકા પોલીસે નેશનલ હાઈવે 48 પર થયેલી 7.78 લાખની ચોરીના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. કિમ વિસ્તારમાં રહેતા જાવેદ ઉસ્માન વ્હોરાને પોલીસે ઝડપી પાડ્યો છે. આ અગાઉ પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
ગત 19મી મેના રોજ બીલીમોરા નવાપુરા સ્ટ્રીટના રહેવાસી રાજ કલ્પેશ શાહ સાથે આ ઘટના બની હતી. તેઓ પત્ની અને પુત્રીને વડોદરા મૂકીને કંપનીના કામ માટે બીલીમોરા જઈ રહ્યા હતા. રસ્તામાં અંકલેશ્વર-સુરત નેશનલ હાઈવે પર નવજીવન હોટલથી નૂર લિફ્ટર સુધીના વિસ્તારમાં તેમને ઝોકું આવી ગયું હતું.
આ દરમિયાન અજાણ્યા ઇસમોએ રાજ શાહે પહેરેલા સોનાના ઘરેણાં અને અન્ય સામાનની ચોરી કરી હતી. ચોરી થયેલી વસ્તુઓની કુલ કિંમત 7.78 લાખ રૂપિયા હતી. અંકલેશ્વર તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.




