ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2700ને પાર, 24 કલાકમાં 7ના મોત

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એક અઠવાડિયામાં કુલ કેસની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે. માહિતી અનુસાર, દેશભરમાં 2710 સક્રિય કોરોના દર્દીઓ છે. કેરળમાં સૌથી વધુ દર્દીઓ મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત 7 લોકોના મોત પણ થયા છે.
અહેવાલો અનુસાર, કેરળમાં 1147, મહારાષ્ટ્રમાં 424, દિલ્હીમાં 294 અને ગુજરાતમાં 223 સક્રિય કેસ છે. કર્ણાટક અને તમિલનાડુમાં 148-148 કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના 116 કેસ મળી આવ્યા છે. છેલ્લા પાંચ મહિનામાં કોરોનાને કારણે 22 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં બે દર્દીઓના મોત થયા છે. દિલ્હી, ગુજરાત, કર્ણાટક, પંજાબ અને તમિલનાડુમાં એક-એક દર્દીનું મોત થયું છે.
બીજી તરફ ઓમિક્રોન LF.7 અને NB1.8ના બે પ્રકારોને કારણે કોરોનાના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. આ વખતે દિલ્હીમાં કોરોનાથી મૃત્યુનો પહેલો કેસ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 56 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દી પહેલાથી જ ઘણી બીમારીઓથી પીડાતા હતા.
દિલ્હીમાં 375 કેસ, ગુજરાતમાં 265 કેસ, કર્ણાટકમાં 234 કેસ, કેરળમાં 1336 કેસ, મહારાષ્ટ્રમાં 467 કેસ, તમિલનાડુમાં 185 કેસ, પશ્ચિમ બંગાળમાં 205 કેસ, ઉત્તર પ્રદેશમાં 117 કેસ સામે આવ્યા છે. આ આંકડાઓ પરથી એ સ્પષ્ટ થાય છે કે, કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ જોવા મળી રહ્યા છે. જે કુલ કેસના લગભગ 40% ભાગ છે. આ પછી, મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે.
નિષ્ણાતોએ જણાવ્યુ છે કે, ઓમિક્રોનનો સબ-વેરિઅન્ટ JN.1, જે સૌપ્રથમ કેરળમાં જોવા મળ્યો હતો. તે તાજેતરમાં અન્ય રાજ્યોમાં ફેલાઈ રહ્યો છે. આનાથી ચેપ દર વધી રહ્યો છે અને આરોગ્ય અધિકારીઓએ સતર્ક રહેવાની જરૂર છે. એવું માનવામાં આવે છે કે કોરોનાનો આ JN1 પ્રકાર અગાઉના બાકીના વાયરસ કરતા ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેથી દર્દીઓની સંખ્યા વધી રહી છે.



