GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદની તૈયારીના ભાગરૂપે રાજકોટના માધાપર વિસ્તારમાં સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાઈ

તા.૧/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

માધાપર પ્રાથમિક શાળા પર ડ્રોન અટેક, નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા, ઘાયલોને પ્રાથમિક સારવાર પુરી પડાઈ

ડ્રોન અટેકમાં શાળાની દિવાલ ધરાશાયી માધાપર વિસ્તારમાં સંપૂર્ણ બ્લેક આઉટ, એન.સી.સી. કેડેટ્સ, પોલીસ, ફાયર, એસ.આર.પી., 108 સહીત આરોગ્યની ટીમે પરિસ્થિતિ સંભાળી

Rajkot: માધાપર સ્કૂલમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો. સ્થાનિક નાગરિકો તેમજ તથા શિક્ષકો આ કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા હતા, તેવામાં આકાશમાંથી ડ્રોન દેખાતાં ચેતવણીના ભાગરૂપે સાયરન વાગે છે, નાગરિકોને સુરક્ષિત સ્થળે જવા શાળાના શિક્ષકો માર્ગદર્શન આપે છે. આ તકે એક ડ્રોન તૂટી પડે છે ને કેટલાક સ્થાનિકો ઈજાગ્રસ્ત થાય છે, વેકેશનનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળે છે. તુર્તજ શાળાના આચાર્ય દ્વારા 108, ફાયર, પોલીસ વિભાગને જાણ કરવામાં આવે છે. થોડી મિનિટોમાં ફાયર તેમજ 108 ની ટીમો ઘટના સ્થળે પહોંચે છે. ઘાયલોને ઇમર્જન્સી સેવાના જવાનો દ્વારા બચાવી પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. એન.સી.સી. ના કેડેટ્સ અને જવાનો પણ આ બચાવ કાર્યમાં મચી પડે છે. ઘાયલને પ્રાથમિક સારવાર બાદ 108 એમ્બ્યુલન્સ વાટે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવે છે. અહીંની ટીમ ખાસ વોર્ડમાં ઘાયલ દર્દીઓને દાખલ કરી ઇમર્જન્સી સારવાર આપવામાં આવે છે. ડ્રોન અટેકમાં શાળાની દિવાલ ધરાશાયી થઈ જાય છે.

આ તમામ દ્રશ્યો અને વ્યવસ્થા ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદની આગોતરી તૈયારીના ભાગરૂપે રાજકોટના માધાપર વિસ્તારમાં સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલના છે. જેનું સમગ્ર આયોજન કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં કરાયું હતું.

રાજ્ય સરકારની સૂચના અનુસાર દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) યોજાઈ હતી.

આ મોકડ્રિલ અંગે કલેક્ટર શ્રી પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત “ઓપરેશન શિલ્ડ”નું આયોજન રાજ્ય સરકારની સૂચના અનુસાર માધાપર વિસ્તારમાં કરવામાં આવ્યું છે.

મોકડ્રીલના ભાગરૂપે રાત્રે ૮ કલાકે સાયરન વગાડી માધાપરની ઉત્તરે રેલવે ટ્રેક વિસ્તાર, દક્ષિણે રાજકોટ જામનગર હાઇવે, પૂર્વમાં રાજકોટ મોરબી બાયપાસ તેમજ પશ્ચિમે નાગેશ્વર જતા રોડ સુધીના વિસ્તારમાં ટોટલ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. તમામ નાગરિકોએ આ સમયે પોતપોતાના ઘરની લાઈટ તથા સોસાયટીની કોમન લાઇટ બંધ કર્યા હતાં. રસ્તા પર ચાલતા વાહનોએ પોતાની મૂવમેન્ટ બંધ કરીને રસ્તાની સાઇડમાં પાર્ક કરેલા તથા બ્લેક આઉટનું ચુસ્તપણે પાલન કરવા જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં એન.સી.સી. ના કેડેટ્સ, વોલન્ટીયર્સ, પોલીસ વિભાગ જોડાયો હતો.

આ કવાયત દરમિયાન નાગરિક સુરક્ષાને લગતી સ્થાનિક પ્રશાસનની સુસજ્જતા, એન. સી. સી. તથા યુવા વોલન્ટીયર્સની સેવાઓ લેવાની, દુશ્મનના વિમાની અને મિસાઇલ હુમલા સંદર્ભે, એર રેપિડ સાયરન કાર્યરત કરવાની, સંપૂર્ણ અંધારપટ કરી નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ કાર્યવાહીની મોકડ્રિલ સફળતાપૂર્વક યોજાઈ હતી.

મોકડ્રીલ પૂર્વે માધાપર આઈ.ટી.આઈ. ખાતે રેડક્રોસ તેમજ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વોલિયન્ટર્સ તેમજ એન.સી.સી. કેડેટ્સને પ્રાથમિક સારવાર તેમજ સી.પી.આર. ની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર તુમેરા, નિવાસી અધિક કલેકટર શ્રી એ કે ગૌતમ , આસિસ્ટન્ટ કલેકટર શ્રી મહેક જૈન, ડીસીપી ઝોન ટુ શ્રી જગદીશ બાંગારવા, ડીસીપી ક્રાઈમ શ્રી પાર્થરાજસિંહ ગોહિલ તેમજ ફાયર, રેડ ક્રોસ સોસાયટી, એસઆરપી એનસીસી સહિતના વિવિધ વિભાગના અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!