ભરુચ મનરેગા કોભાંડ:સાંસદ મનસુખ વસાવાએ કહ્યું- ‘નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે, જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની’

સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાડ અંગે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે પરંતુ જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની હોય છે.
ભરૂચમાં બહાર આવેલા ચકચારી મનરેગા કૌભાંડ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા સંબંધિત કચેરીઓની તપાસ અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે હવે તપાસ માટે સ્પેશ્ય ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટની રચના કરવામાં આવશે. આગામી દિવસોમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તપાસ માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીને નિમણૂક અપાય તેવી માહિતી મળી રહી છે.
બીજી તરફ સમગ્ર કૌભાંડ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, મનરેગા યોજના હેઠળ જે કામો થાય છે તેની તપાસ તાત્કાલિક નથી કરવામાં આવતી પરંતુ બે ત્રણ વર્ષ પછી તપાસ થાય છે જે અયોગ્ય છે. સરકારે મનરેગા જેવી યોજનાઓની સફળતા માટે યોગ્ય સિસ્ટમ બનાવવી પડશે. આવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે પરંતુ જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની હોય છે.




