GUJARATMODASA

વિશ્વ પર્યાવરણ દિવસ 2025 : અરવલ્લી જિલ્લામાં પ્લાસ્ટિક પ્રદૂષણ વિરુદ્ધ સાયકલોથોનનું આયોજન

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

વિશ્વ પર્યાવરણ દિવસ 2025 : અરવલ્લી જિલ્લામાં પ્લાસ્ટિક પ્રદૂષણ વિરુદ્ધ સાયકલોથોનનું આયોજન

વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, જિલ્લા વહીવટી તંત્ર, અરવલ્લી દ્વારા “જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો” થીમ હેઠળ એક ભવ્ય સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવા અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવાના મહત્વને ઉજાગર કરવાનો હતો. સાયકલોથોનનું પ્રસ્થાન સાંઈ મંદિર, ઓધારી ગાર્ડન પાસે, મોડાસા ખાતેથી થયું હતું, જેમાં જિલ્લાના અનેક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

આ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેમણે સાયકલોથોનની શરૂઆત કરી અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, ,મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ, રમત-ગમત અધિકારી પ્રકાશ ક્લાસવા તેમજ “સન્ડે ઓન સાયકલ” સમૂહના સભ્યો અને અન્ય ઉત્સાહી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો અને પર્યાવરણપ્રેમી નાગરિકોની નોંધપાત્ર ભાગીદારી જોવા મળી.

સાયકલોથોનનો રૂટ મોડાસા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયો, જેના દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણને સ્વચ્છ રાખવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો. રેલી દરમિયાન, ભાગીદારોએ “પ્લાસ્ટિક નહીં, પર્યાવરણ હી”, “સ્વચ્છ ભારત, હરિયાળું ભારત” જેવા સૂત્રોચ્ચાર સાથે પોસ્ટર્સ અને બેનર્સ દ્વારા પર્યાવરણ જાગૃતિનો સંદેશ ફેલાવ્યો. આ ઉપરાંત, સાયકલિંગ જેવી ઇકો-ફ્રેન્ડલી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપીને કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું મહત્વ પણ રજૂ કરવામાં આવ્યું.

જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે જણાવ્યું કે, “પ્લાસ્ટિક પ્રદૂષણ આજે વૈશ્વિક સમસ્યા બની ગયું છે. આપણે બધાએ સાથે મળીને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ અને પર્યાવરણને બચાવવા માટે નાના-નાના પગલાં લેવા જોઈએ.” તેમણે નાગરિકોને રિયુઝેબલ બેગનો ઉપયોગ કરવા, રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવા અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓમાં જોડાવા અપીલ કરી.

આ સાયકલોથોન દ્વારા અરવલ્લી જિલ્લાએ પર્યાવરણ સંરક્ષણના મહત્વને ઉજાગર કરીને એક સકારાત્મક સંદેશ આપ્યો. આ પ્રકારના પ્રયાસો પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધારવામાં અને સ્વચ્છ, હરિયાળું ભવિષ્ય નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપશે.

Back to top button
error: Content is protected !!