
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિકથી આઈસર ટેમ્પો.ન.જી.જે.13.એ.ડબ્લ્યુ.4656માં માલધારીઓ પાળતુ પશુઓમાં ગાય ભેંસ ભરીને પોતાના વતન સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતા તે વેળાએ સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા સ્થળ પર આઈસર ટેમ્પો માર્ગની સાઈડની સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે અરેરાટી વ્યાપી જવા પામી હતી.આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પોમાં ભરેલ અબોલ પશુઓને નાની મોટી ઈજાઓ પોહચી હતી.જ્યારે ઘટના સ્થળે એક ભેંસને ગંભીર ઈજાઓ પોહચતા તેનું મોત નિપજ્યુ હતુ.આ બનાવની જાણ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. આર.એસ.પટેલને થતા તેઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.અહી સાપુતારા પોલીસની ટીમે સ્થળ પરથી આઇસર ટેમ્પામાંથી માલધારી પરિવારનાં સભ્યો સહીત ગાય ભેંસનું રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા.સાથે જ સાપુતારા પોલીસની ટીમે બચી ગયેલ પાળતુ પશુઓ માટે ઘાસ ચારો અને પીવાનાં પાણીની વ્યવસ્થા કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ.આ બનાવમાં આઈસર ટેમ્પાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે તેમાં સવાર માલધારીઓનાં ત્રણ બાળકોને નાની મોટી ઇજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સી.ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યારે ઇજાગ્રસ્ત પશુઓ માટે પણ પશુ ચિકિત્સકની વ્યવસ્થા કરવામાં આવી હતી.હાલમાં આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..





