
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ થવા ગ્રૂપ ગ્રામ પંચાયતના ફૂલવાડી ગામ ખાતે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે ૬૬ કે.વી.સબ સ્ટેશનનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. ખાતમૂહુર્ત પ્રસંગે મેઘરાજાએ પણ અમીછાંટણા કરી આશીર્વાદ આપ્યા.
નેત્રંગ તાલુકાનાં થવા, ફૂલવાડી ગામ સહિત અન્ય ૨૫ થી ૩૦ જેટલા ગામના લોકોની વર્ષો જુની માંગણી જેવી કે નેત્રંગ તાલુકામાં ફક્ત બે જ પાવર હાઉસ હોવાથી ફૂલવાડી ગામ તેમજ અન્ય ૨૫ થી ૩૦ જેટલા ગામના લોકોને ખુબ જ ઓછા પ્રમાણમાં વિજ પુરવઠો મળે છે, ઓછાં વોલ્ટેજ માં લાઈટ મળે છે, બાળકોને પણ અભ્યાસ માં પણ તકલીફ પડે છે, પીવાનાં પાણીની મોટરો પણ ચાલતી નથી અને ખેતીમાં પણ ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેમજ નવરાત્રી પછી પીયત માટે લાઈટ ની જરૂર પડતી હોય છે પરંતુ અપુરોક્ત સમસ્યાને લઈને વર્ષો થી ખેતીમાં વ્યાપક નુકસાન થતું હોય છે, ઢોર ઢાંખરને પાણી અને ઘાસચારા માટે પણ તકલીફ પડતી હોય છે.
જે વાતને ધ્યાને લઈને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાએ સરકારમાં રજૂઆત કરતા આ ૬૬ કે.વી. સબ સ્ટેશનની મંજૂરી મળી હતી. જે બાદ થવા ગ્રૂપ ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા યોજી આ સબ સ્ટેશન માટે બે એકર જેટલી જમીન ફાળવવામાં આવી હતી.
આ પ્રસંગે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવા, ઉપપ્રમુખ નિતેશભાઈ પરમાર, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, વાલિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ દિનેશભાઈ વસાવા, ગૌતમભાઈ વસાવા, તાલુકાના સરપંચો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત
રહ્યા હતા.


