બનાસકાંઠાના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી ટોપર્સ પાસેથી મળ્યું પ્રેરણાદાયક માર્ગદર્શન
4 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે યોજાયો સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર સ્પીપાના માધ્યમથી ગુજરાત સરકારે સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને નવું બળ પૂરું પાડ્યું છે:- કલેક્ટરશ્રી મિહિર પટેલ યુ.પી.એસ.સી ટોપર્સનું મહત્વનુંમાર્ગદર્શન:સંકલ્પ, સંઘર્ષ, શ્રદ્ધા તથા ધીરજ થકી સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છ ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક સાથે ચાર ગુજરાતી યુ.પી.એસ.સી ટોપર્સ દ્વારા ૨૦૦૦ વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસીસ પરીક્ષાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલે સ્પર્ધાત્મક અને સિવિલ સર્વિસિસની પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિધાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ખૂબજ ઉપયોગી અને પ્રેરણાત્મક પહેલ કરી હતી જે અંતર્ગત આજરોજ નગરપાલિકા ટાઉન હોલ, પાલનપુર ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને સ્પીપા, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયું હતું.આ સેમીનારમાં UPSC CSE-2024ના પરિણામમાં સમગ્ર દેશમાં બીજો રેન્ક મેળવનાર સુશ્રી હર્ષિતા ગોયલ, ચોથો રેન્ક મેળવનાર સુશ્રી માર્ગી શાહ અને ત્રીસમો રેન્ક મેળવનાર શ્રી સ્મિત પંચાલ, ૫૦૭મો રેન્ક મેળવનાર બનાસકાંઠાના શ્રી બ્રિજેશ બારોટ તથા સ્પીપાના કોર ફેકલ્ટીનાશ્રી બ્રિજેશ પટેલ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરાયા હતા. આ સેમિનારમાં બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓએ સ્વયં પ્રેરણા મેળવવી જરૂરી છે. પોતાની જાત પર વિશ્વાસ રાખી હકારાત્મક ધ્યેય સાથે અને હતાશ થયા વગર સતત મહેનત કરવી જરૂરી છે. ચાલુ વર્ષે યુ.પી.એસ.સીના પરિણામમાં ૧ થી ૩૦ના રેંકમાં ૦૩ ગુજરાતી ટોપર્સ પાસ થયા છે જે ગૌરવની બાબત છે. આગામી વર્ષોમાં અહીં ઉપસ્થિત તથા જિલ્લાના વધુ વિદ્યાર્થીઓ જ્વલંત સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ તેમણે પાઠવી હતી. સમગ્ર દેશમાં યુ.પી.એસ.સી પરીક્ષામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરનાર ૨૪ વર્ષીય વડોદરાના વતની સુશ્રી હર્ષિતા ગોયલએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે, તેઓ ચાર્ટડ એકાઉન્ટ હતા અને દેશની સેવા કરવા તથા સમાજમાં સકારાત્મક પરિવર્તનના ધ્યેય સાથે સિવિલ સર્વિસની તૈયારીઓ શરૂ કરી હતી. તેમણે સફળતાનો મંત્ર આપતા કહ્યું કે,આયોજન બનાવવું, ડ્રીમ જોવું અને ભરપૂર પ્રયત્નો કરવા જોઈએ. નિષ્ફળતા તમારા લક્ષ્ય સુધી પહોંચવાનું પ્રથમ પગથિયું છે. નિયમિત ટેસ્ટ આપવો, ટાઈમ ટેબલનું ચોક્કસ પાલન કરવું, આપણી જાતને ઓછી ના આંકવી જોઈએ. તેમણે યુ.પી.એસ.સીને જવાબદારી દેશ અને દુનિયાને બહેતર બનાવવાની જર્ની તરીકે વર્ણન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પુસ્તકો વચ્ચે શોખ પાળવો જોઈએ, પ્રકૃતિ અને પરિવાર ઉર્જા આપશે તથા વાલીઓની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું.
યુ.પી.એસ.સી પરીક્ષામાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કરનાર ૨૬ વર્ષીય સુશ્રી માર્ગી શાહે જણાવ્યું કે, નાની નાની બાબતો પર કૃતજ્ઞતા હોવી જરૂરી છે. તેમણે અમદાવાદ સ્થિત એલ.ડી કોલેજ ખાતેથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. વર્ષ ૨૦૧૭માં પિતાની છત્રછાયા ગુમાવી હતી પણ પોતે હિંમત ના હારીને સખત પરિશ્રમ કર્યો જેના પરિણામે સફળતા મેળવી હતી. તેમણે વાલીઓને પોતાના બાળક પર ભરોસો રાખવા જણાવ્યું હતું.
યુ.પી.એસ.સી પરીક્ષામાં ત્રીસમો રેન્ક મેળવનારશ્રી સ્મિત પંચાલએ વિદ્યાર્થીઓને સંકલ્પ, સંઘર્ષ, શ્રદ્ધા તથા ધીરજ રાખવા તથા સંકલ્પ થકી જ સિદ્ધિ અને આકાશને પોતાનો ગોલ રાખવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તેમનો પરિવાર તેમને એન્જિનિયરિંગ કરવાનું કહેતા હતા. તેમણે સફળતાની ચાવી મનોબળને ગણાવી હતી તથા સિલેબસને જન્મકુંડળી બનાવવા અને વિદ્યાર્થીઓને ભાષા પર પકડ રાખવા જણાવ્યું હતું. ટેક્નોલોજીનો ઉપયોગ, નોટ તૈયાર કરવી તથા કોઈપણ ગોલ માટે ભક્તિ અને શ્રધ્ધા જરૂરી છે તન, મન અને ધનથી મહેનત કરવા જણાવ્યું હતું. યુ.પી.એસ.સી પરીક્ષામાં ૫૦૭મો રેન્ક મેળવનાર અને બનાસકાંઠાના વતનીશ્રી બ્રિજેશ બારોટએ જણાવ્યું કે, આર્ટસ, કોમર્સ સહિતના તમામ વિદ્યાર્થીઓ યુ.પી.એસ.સીમાં ચોક્કસ સફળતા મેળવી શકે છે. મનમાં દ્રઢ સંકલ્પ સાથે જી.સી.આર.ટી અને એન.સી.આર.ટીના પુસ્તકો તથા ઇન્ડિયન એક્સપ્રેસ જેવા સમાચાર પત્રોનું નિયમિત વાંચન ખૂબ જ જરૂરી છે. આ સાથે ચેટ જીપીટી અને youtube જેવા માધ્યમો થકી પણ યોગ્ય તૈયારી કરી શકાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા પાલનપુરના પાર્થ રાવલે જણાવ્યું કે, આ સેમિનાર થકી તેમને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે. તેમણે વિદ્યાર્થીઓ વતી જિલ્લા વહીવટી તંત્ર અને કલેકટરશ્રી મિહિર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સ્પીપાના કોર ફેકલ્ટીશ્રી બ્રિજેશ પટેલએ સ્પીપા વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા જેમાં સ્પીપાની પ્રવેશ પરીક્ષા, સુવિધાઓ, ફેકલ્ટી વગેરે બાબતે માહિતી આપી હતી. ઉપસ્થિત વિદ્યાર્થીઓએ યુ.પી.એસ.સી ટોપર્સ સાથે વિવિધ પ્રશ્નો રજૂ કરીને નિરાકરણ મેળવ્યું હતું. આ પ્રસંગે પ્રોબેશન આઈ.એ.એસશ્રી અભિષેક તાલે, અધિક જિલ્લા કલેક્ટરશ્રી સી.પી.પટેલ, પાલનપુર પ્રાંત અધિકારીશ્રી કમલ ચૌધરી સહિતના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.