દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી નિમિતે જિલ્લામાં અંદાજિત ૮૮૫૨ કિલોગ્રામ પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરાયો

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
‘વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫’ની ઉજવણી “એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી” થીમ સાથે કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૨૨/૦૫/૨૦૨૫થી તા.૦૫/૦૬/૨૦૨૫ સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.
જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વન વિભાગ સહિત તમામ વિભાગો તેમજ ઔધોગિક એકમોના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમો જેવા કે જિલ્લાના એસટી ડેપો ખાતે પ્લાસ્ટિક વેસ્ટ અંગેની સમજ તથા પ્લાસ્ટિક કચરાનું એકત્રીકરણ, ઝીંગલ્સ દ્વારા મુસાફરોને પ્લાસ્ટિક પ્રદૂષણ અંગેની માહિતી આપવામાં આવી હતી.
ઉપરાંત દ્વારકા, શિવરાજપુર અને બેટ દ્વારકા ખાતે ખાસ બીચ ક્લિનપ ડ્રાઇવ યોજીને દરિયાકિનારે જમા થયેલ પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ તા.૦૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે જિલ્લાના અંદાજિત ૯૪ જેટલા ગામોમાં ખાસ ગ્રામસભાનું આયોજન જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત તા.૨૨ મે થી તા.૦૫ જૂન સુધી યોજાયેલ અભિયાનમાં પ્લાસ્ટિક પ્રદૂષણને દૂર કરવા વિવિધ સ્થળો પર અનેક કાર્યક્રમો યોજીને અંદાજિત ૮૮૫૨ કિલો જેટલો પ્લાસ્ટિક વેસ્ટનો એકત્ર કરવામાં આવ્યો હતો.






