GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: ૮મી જુન:વિશ્વ મહાસાગર દિવસ: દરિયાઈ વ્યાપારમા દક્ષિણ ગુજરાતનો ફાળો ૧૬ %

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી:તા.૦૭: વિશ્વ મહાસાગર દિવસ-આ દિવસ એ વિશ્વનાં મહાસાગરોનું સન્માન કરવાની તક રૂપે ઉજવવામાં આવે છે. મહાસાગરો દ્વારા પ્રાપ્ત વસ્તુઓ જેમ કે સમુદ્રી ભોજન, સમુદ્રી યાતાયાત સુવિધાઓ અને અન્ય કેટલીયે કિંમતી સમુદ્રી જણસોની ઉજવણી રૂપે આ દિવસ મનાવાય છે. વિશ્વના આર્થિક રીતે અગ્રણી રાષ્ટ્રોના વિકાસમાં સમુદ્રનો અમૂલ્ય ફાળો રહેલો છે. ત્યારે તા. ૮મી જૂનના “વિશ્વ મહાસાગર દિવસ” નિમિત્તે, ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસા અને ખાસ કરીને ગુજરાતના બંદરોની પ્રગતિને ઉજાગર કરવી અત્યંત પ્રાસંગિક છે.

ગુજરાત, ૨૩૪૦ કિલોમીટરના સૌથી લાંબા કુદરતી સમુદ્રતટ સાથે, દેશના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. એક મેજર અને ૪૮ નોન-મેજર બંદરો ધરાવતું આ રાજ્ય, ભારતનું પ્રથમ મેરીટાઈમ બોર્ડ (GMB) ૧૯૮૧માં સ્થાપીને અને ૧૯૯૫માં બંદર નીતિ ઘડનારું પ્રથમ રાજ્ય બનીને મેરીટાઈમ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. આ નીતિઓએ ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારી, જેના પરિણામે બંદર વિકાસમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતના કુલ દરિયાઈ કાર્ગો પરિવહનના ૪૦ % કાર્ગોનું સંચાલન ગુજરાતના બંદરો પરથી થયું છે, જે રાજ્યની દરિયાઈ ક્ષમતાનો સ્પષ્ટ પુરાવો છે.

*દક્ષિણ ગુજરાતનું વધતું કદ: દરિયાઈ વ્યાપારમાં ૧૬ % યોગદાન*

રાજ્યના આર્થિક વિકાસમાં દક્ષિણ ગુજરાતના બંદરોનો ફાળો અત્યંત મહત્વપૂર્ણ છે. દક્ષિણ ગુજરાતના નોન-મેજર બંદરો, મુખ્યત્વે મગદલ્લા અને દહેજ, આ પ્રદેશના ઔદ્યોગિક વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. આ બંને બંદર જૂથોની કુલ ક્ષમતા ૧૨૧ મિલિયન મેટ્રિક ટન છે. ૨૦૧૪-૧૫માં ૬૧.૭૬ મિલિયન મેટ્રિક ટન કાર્ગો પરિવહનથી વધીને ૨૦૨૪-૨૫માં કુલ ૧૦૦.૦૨ મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે, જે ૫ %ના સીએજીઆર (CAGR) વૃદ્ધિ દર્શાવે છે. ગુજરાતના કુલ દરિયાઈ વ્યાપારમાં દક્ષિણ ગુજરાતનો ૧૬ % ફાળો દેશના અગ્રણી ‘પોર્ટ સ્ટેટ’ તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. કચ્છના લખપતથી ઉમરગામ સુધીના દરિયાઇ પટ્ટીમાં આવેલા વિવિધ બંદરોએ રાજ્યની આગવી ઓળખ ઉભી કરી છે.

*આર્થિક અને માળખાગત સુવિધાઓનું હબ એટલે દક્ષિણ ગુજરાતના બંદરો: દહેજ અને મગદલ્લાનું વિશેષ પ્રદાન*

દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લાથી લઈને વલસાડના દરિયા કિનારા સુધી મુખ્ય બે બંદરો અને કુલ ૧૫ નાના પેટા બંદરો આવેલા છે: ભરૂચ, ભગવા, દહેજ, ખંભાત, મગદલ્લા, હજીરા, ઉમરગામ, મરોલી, વલસાડ, બીલીમોરા, ઓંજલ, કોલક, ઉમરસાડી, વાંસીબોરસી, અને નારગોલ. દક્ષિણ ગુજરાતના બંદરો, ખાસ કરીને દહેજ અને મગદલ્લા, આર્થિક અને માળખાગત સુવિધાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે, જે રાજ્યના સર્વાંગી વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

મગદલ્લા બંદર દક્ષિણ ગુજરાતમાં તાપી નદીના દક્ષિણ કાંઠે ખંભાતના અખાતમાં ભારતના પશ્ચિમ કિનારે આવેલું લાઈટરેઝ બંદર છે. મગદલ્લા ખાતે મગદલ્લા, હજીરા, ઉમરગામ, મરોલી, વલસાડ, બીલીમોરા, ઓંજલ, કોલક, ઉમરસાડી, વાંસી બોરસી, નારગોલ જેવા પેટા બંદરોનો સમાવેશ થાય છે. મગદલ્લા બંદર પર બે GMBની જેટ્ટી, દસ કેપ્ટિવ જેટ્ટી, એક ખાનગી જેટ્ટી અને બે ખાનગી બંદર આવેલ છે.

મગદલ્લા બંદર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૬૩.૯૫ મિલિયન મેટ્રિક ટન કાર્ગો પરિવહન થયુ છે. જેમાં GMB જેટ્ટી દ્વારા ૬.૬૩ મિલિયન મેટ્રિક ટન, કેપ્ટીવ જેટ્ટી દ્વારા ૨૬.૬૪ મિલિયન મેટ્રિક ટન, ખાનગી જેટ્ટી દ્વારા ૧.૭૩ મિલિયન મેટ્રિક ટન તેમજ ખાનગી બંદરો દ્વારા ૨૮.૯૫ મિલિયન મેટ્રિક ટન કાર્ગો પરિવહન કરવામાં આવી છે.

જેમાં મુખ્ય કાર્ગોની આયાતમાં આર્યન ઓર, કોલસો, કન્ટેનર, નેપ્થા, સિમેન્ટ-ક્લિન્કર અને રોક ફોસ્ફેટ અને નિકાસમાં કન્ટેનર, એચ.આર.કોઈલ્સ, ક્રુડ ઓઈલ અને સ્લેગનો સમાવેશ થાય છે.

દહેજ ભારત સરકાર દ્વારા સૂચિત ૪૫૩ ચો.કિમીમાં ફેલાયેલું છે. દહેજ પોર્ટ ફીડસ્ટોક આયાત અને કેમિકલ નિકાસ માટે મુખ્ય દરિયાઈ ગેટ વે છે, જે PCPIR (પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઈન્વેસ્ટમેન્ટ રીજન)નું લોજિસ્ટિક્સ બેકબોન છે.

દહેજ બંદર ભરૂચ શહેરથી ૪૫ કિમી દૂર ખંભાતના અખાતમાં ભારતના પશ્ચિમ કિનારે અને ગુલઝારીયા અને બાણ ક્રીકના સંગમ સ્થળે આવેલું ફેર વેધર લાઈટરેઝ બંદર છે. દહેજ ખાતે કુલ ૪ પેટા બંદરો આવેલા છે. ભરૂચ, ભાગવા, દહેજ અને ખંભાત. ભરૂચ બંદર પર એક GMBની જેટ્ટી, ચાર કેપ્ટિવ જેટ્ટી અને ત્રણ ખાનગી બંદર આવેલા છે.

દહેજ બંદર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૩૬.૦૭ મિલિયન મેટ્રિક ટન કાર્ગો પરિવહન થયા છે. જેમાં કેપ્ટીવ જેટ્ટી દ્વારા ૨.૦૦ મિલિયન મેટ્રિક ટન, તેમજ ખાનગી બંદરો દ્વારા ૩૪.૦૭ મિલિયન મેટ્રિક ટન કાર્ગો પરિવહન કરવામાં આવ્યા છે.

જેમાં મુખ્ય કાર્ગોની આયાતમાં LNG, કોલસો, તાંબું, બ્યુટેન, ઈથેલીન, જીપ્સમ, નેપ્થા, રોક ફોસ્ફેટ, પેરાક્સિલીન અને નિકાસમાં સલ્ફ્યુરિક એસિડ, પીવાય ગેસનો સમાવેશ થાય છે. અહીં પેટ્રોનેટ LNG ટર્મિનલ, ONGC SPR પ્રોજેક્ટ, GACL, Torrent, Birla Copper સહિતની જેટીઓ આવેલી છે.

આમ, ગુજરાત, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, તેના સમૃદ્ધ દરિયાકિનારા અને બંદરો દ્વારા દેશના આર્થિક વિકાસમાં નોંધપાત્ર ફાળો આપી રહ્યું છે.

*ખાનગી ક્ષેત્રનું યોગદાન:*

રાજ્ય સરકારે બંદરો આધારિત ઔદ્યોગિક નિગમોના વિકાસ માટે ખાનગી સંસ્થાઓને જેટ્ટી બાંધવા અને સંચાલન કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. આ પરવાનગીઓ દ્વારા કંપનીઓને તેમના માલ-સામાનની આયાત-નિકાસ માટે સીધી અને કાર્યક્ષમ સુવિધાઓ મળે છે, જે ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં અને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મકતા વધારવામાં મદદરૂપ થાય છે.

આ ખાનગી અને કેપ્ટિવ જેટ્ટીઓના કારણે દક્ષિણ ગુજરાતના વેપાર-ધંધામાં સઘન વધારો થયો છે. વિશ્વના ખૂણેખૂણાથી આવતા જહાજો આ બંદરો ઉપરથી માલસામાનને ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરે છે.

આમાં અલ્જેરિયા, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, નાઇજીરીયા, રશિયા, સાઉથ આફ્રિકા, અને યુએસએ જેવા વિવિધ દેશોનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારના આ વિસ્તરતા વ્યાપથી દક્ષિણ ગુજરાત માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ વૈશ્વિક વેપાર હબ તરીકે પણ ઉભરી રહ્યું છે.

*આંકડાકીય પ્રગતિ અને  દક્ષિણ ગુજરાતનું અગ્રણી સ્થાન:*

ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગત અનુસાર, દક્ષિણ ગુજરાતમાં GMB સંચાલિત ભરૂચના દહેજથી લઈને વલસાડના નારગોલ સુધીના મેજર અને નોન-મેજર બંદરોએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૧૦૦.૦૨ મિલિયન મેટ્રિક ટન (MMT) કાર્ગોનું સંચાલન કર્યું છે. આ આંકડો રાજ્યના દરિયાઈ વિકાસમાં દક્ષિણ ગુજરાતના અદભૂત યોગદાનને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતના કુલ દરિયાઈ વ્યાપારમાં દક્ષિણ ગુજરાતનો ૧૬ % હિસ્સો છે, જે દેશના અગ્રણી ‘પોર્ટ સ્ટેટ’ તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે દક્ષિણ ગુજરાતનો પ્રદેશ રાજ્યના સમગ્ર દરિયાઈ વિકાસ મોડેલમાં એક અનિવાર્ય અને મહત્વપૂર્ણ કડી છે.

ભારતનો સમુદ્ર સાથેનો નાતો ભૌગોલિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક રીતે સંકળાયેલો છે. હિમાલયના ઉદ્ભવથી લઈને સમુદ્ર મંથનની આધ્યાત્મિક વાત, કૃષ્ણની દ્વારિકા નગરી, સોમનાથ મહાદેવની સ્થાપના અને રામસેતુ જેવી બાબતો ભારતના આધ્યાત્મિક વારસાને સમુદ્ર સાથે જોડે છે. ત્યારે આધ્યાત્મિક સાથે સાથે આર્થિક રીતે ગુજરાતના બંદરો ભારતના વિકાસના પ્રવેશદ્વાર સમાન છે.

Back to top button
error: Content is protected !!