GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારોને રાહત, સોગંધનામાને બદલે એકરારનામું રજૂ કરી શકશે

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મને લઈને એક મહત્ત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. હવે સરપંચ કે ગ્રામ પંચાયતના સભ્યપદના ઉમેદવારો પાસેથી સોગંદનામા (એફિડેવિટ)ને બદલે માત્ર એકરારનામું (Declaration) જ મેળવવામાં આવશે. આ નિર્ણય ગુજરાત કોંગ્રેસે કરેલી રજૂઆત બાદ લેવામાં આવ્યો છે, જેમાં સ્થાનિક ચૂંટણી અધિકારીઓ દ્વારા કાયદાકીય જોગવાઈ ન હોવા છતાં વિવિધ દસ્તાવેજો અને દાખલાઓની માગણી કરવામાં આવતી હોવાની ફરિયાદ કરાઈ હતી.

ગુજરાત કોંગ્રેસે રાજ્ય ચૂંટણી પંચની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સમગ્ર ગુજરાતમાંથી આવેલી ફરિયાદો અંગે આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ ફરિયાદોમાં સ્થાનિક ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારો પાસેથી કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને જુદા જુદા દાખલા, એફિડેવિટ અને સર્ટિફિકેટ માગવામાં આવતા હોવાનો ઉલ્લેખ હતો. કોંગ્રેસે આ પ્રક્રિયાને ગેરકાયદેસર અને બંધારણ વિરુદ્ધ ગણાવી હતી.

આ રજૂઆતને ગંભીરતાથી લઈ, રાજ્ય ચૂંટણી પંચે તાત્કાલિક અસરથી જિલ્લા કલેક્ટરો અને ચૂંટણી અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ઉમેદવારી ફોર્મ સાથે સોગંદનામાને બદલે ફક્ત ઉમેદવારનું એકરારનામું જ સ્વીકારવામાં આવે.

ચૂંટણી પંચે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. પંચે પ્રાંત અધિકારીઓ, મામલતદારો કે તેમને સત્તા સોંપવામાં આવી હોય તેવા કોઈપણ ચૂંટણી અધિકારીને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જો કોઈ અધિકારી ઉમેદવાર પાસેથી સોગંદનામું માગશે, તો તત્કાળ અસરથી આવા અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશ ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે.

નોંધનીય છે કે, ગ્રામ પંચાયતોની ચૂંટણી નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય ચૂંટણી આયોગે 25 જેટલા ગુજરાત વહીવટી સેવા (GAS) કેડરના સિનિયર ઓફિસરોને દરેક જિલ્લાના ચૂંટણી નિરીક્ષક અધિકારી તરીકે નિમણૂક કર્યા છે. આ નિમણૂકો દર્શાવે છે કે પંચ ચૂંટણીની પારદર્શિતા અને નિયમિતતા જાળવવા પ્રતિબદ્ધ છે.

Back to top button
error: Content is protected !!