ડો.દીકરીને મળવાનું માતાનું સપનું અધુરુ રહ્યું:માતાને એરપોર્ટ મૂકીને દીકરીઓ રેલવે સ્ટેશન પહોંચીને મોતના સમાચાર મળ્યા, એક તો સાથે જવાની હતી..

સમીર પટેલ, ભરૂચ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 250થી વધુ લોકોને કાળ ભેટ્યો છે. જેમાં ભરુચ જિલ્લાના ત્રણ લોકોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં ભોગ બનેલા જંબુસરના સાજેદાબેનને એરપોર્ટ મૂકીને બે દીકરીઓ રેલવે સ્ટેશન પહોંચીને દુર્ઘટનાની જાણ થઇ હતી. આ દુર્ઘટનામાં મોતને ભેટેલા સાજેદાબેનની એક દીકરી પણ સાથે જવાની હતી. જોકે, એ સાથે ન જતાં એનો જીવ બચી ગયો છે.
ભરુચના જંબુસરના બાયપાસ રોડ પટેલ વેલ્ફેર હોસ્પિટલની સામે આવેલી અલમીના પાર્ક સોસાયટીમાં રહેતા સાજેદાબેન મિસ્ટર તેમની સીસબરીમાં રહેતી તબીબ દીકરીને ડો. સાહિસ્તાને મળવા માટે જઇ રહ્યા હતા. ગુરુવારે સવારે 4 વાગ્યાના અરસામાં તેમની બે દીકરીઓ તેમને અમદાવાદ એરપોર્ટ પર મુકવા માટે ટ્રેનમાં ભરુચથી રવાના થઇ હતી. માતાને અમદાવાદ એરપોર્ટ પર મૂકીને બંને પુત્રીઓ રિક્ષામાં અમદાવાદ એરપોર્ટથી રેલવે સ્ટેશન પર પરત આવી હતી. ત્યારે જ વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા તેઓ પરત એરપોર્ટ ગઇ પણ ત્યાં અફરા તફરીનો માહોલ હતો.
ડો. સાહિસ્તા ઇંગ્લેન્ડમાં 6 વર્ષથી સ્થાયી છે. તેને મળવા માટે તેમને મળવા સાજેદાબેન સાથે તેમની અન્ય એક દીકરી જવાની હતી. જોકે, સાજેદાબેને 12મી જૂને ટિકિટ બુક કરાવી હતી, જ્યારે દીકરીએ બે મહિના પછી ઇગ્લેન્ડ જવા કહ્યું હતું. જેના કારણે તે ન જતાં બચાવ થયો હતો.




