NATIONAL

અનરાધાર વરસાદના કારણે પૂણેની ઈન્દ્રાયણી નદી પર આવેલો પુલ તૂટી પડ્યો, 30 લોકો નદીમાં તણાયા

મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદના કારણે પૂણેની ઈન્દ્રાયણી નદી પર આવેલો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 25થી 30 લોકો તણાયા હોવાના અહેવાલો મળ્યા છે. ઘટના સ્થળ પર 15 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પૂણે ગ્રામીણ વિસ્તાર કુંદમાલામાં ભારે વરસાદના કારણે ઈન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. જેમાં 25થી 30 પ્રવાસીઓ તણાયા હોવાની માહિતી મળી છે. તમામ પુલ પર ઉપસ્થિત હતાં. આ ઘટના પૂણેના માવલ તાલુકાની છે. અહીંનું કુંદમાલા તેના કુદરતી સૌંદર્યના કારણે પ્રચલિત પ્રવાસન સ્થળ છે.

પોલીસ, ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં પાંચથી છ લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. માવલ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તેમાં આજે રજાનો દિવસ (રવિવાર) હોવાના કારણે પ્રવાસીઓની ભીડ વધુ હતી. ઈન્દ્રાયણી નદીમાં જળ સ્તર વધ્યું હોવાથી આસપાસના લોકો દ્રશ્ય નિહાળવા આવ્યા હતાં. પરંતુ અચાનક પુલ તૂટી પડતાં લોકો તણાયા હતાં.

દુર્ઘટનાસ્થળે પહોંચેલા ધારાસભ્ય સુનિલ શેલકેએ જણાવ્યું હતું, કે ‘અત્યાર સુધી બે સહેલાણીઓના મૃતદેહ મળ્યા છે જ્યારે ચારથી પાંચ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. NDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે.

કુંદમાલાના એક કિનારેથી બીજા કિનારે જવા માટે બનેલો પુલ અત્યંત જૂનો હતો. જે જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા બે-ત્રણ મહિનાથી તેના પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જો કે, રવિવાર તેમજ વરસાદના માહોલમાં કુદરતી રમણીય દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. બપોરે અચાનક પુલ તૂટી પડ્યો હતો. હજુ બચાવ કામગીરી ચાલુ છે.

Back to top button
error: Content is protected !!