ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ સ્થિત ગૌરીકુંડ જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ થતા સાત લોકોના મોત
કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બાદ વરસાદની આફત સર્જાઈ છે, જેના કારણે અહીંના રહેવાસીઓ તેમજ શ્રદ્ધાળુઓ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હેલિકોપ્ટર ક્રેશની ઘટના રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને ‘આર્યન એવિએશન’ની હેલિકોપ્ટર સેવાઓને તાત્કાલીક અસરથી અટકાવી દીધી છે. આ ઉપરાંત હેલિકોપ્ટરની વધી રહેલી દુર્ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં લેતાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હેલિકોપ્ટર સંચાલન મુદ્દે આકરા નિર્દેશ આપ્યા છે.
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ સ્થિત ગૌરીકુંડ જંગલમાં આજે (15 જૂન) એક હેલિકોપ્ટર ક્રેશ થતા સાત લોકોના મોત થયા છે, ત્યારે મીડિયા અહેવાલો મુજબ રાજ્યની પુષ્કર સિંહ ધામી સરકારે હેલિકોપ્ટરનો કોન્ટ્રાક્ટ ધરાવતી એવિએશન કંપની સામે આકરી કાર્યવાહી કરી છે. સરકારે ‘આર્યન એવિએશન’ની હેલિકોપ્ટર સેવાને તાત્કાલકી બંધ કરી દીધી છે. ગૌરીકુંડથી કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં સાત લોકોના મોત થયા હતા. ઉત્તરાખંડના એડીજી (કાયદો અને વ્યવસ્થા) ડૉ. વી. મુરુગેશને જણાવ્યું હતું કે કેદારનાથથી લગભગ 86 કિ.મી. દૂર રુદ્રપ્રયાગ નજીક ગૌરીકુંડના જંગલોમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમાં પાઈલટ સહિત 7 લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. તેમણે પુષ્ટી કરી હતી કે ગૌરીકુંડમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થયું છે.
કેદારનાથ નજીક રૂદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા દરમિયાન હેલિકોપ્ટર સેવાઓ આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. યુકાડા (ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ) અને DGCAએ સંયુક્ત રૂપે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય રવિવારે ગૌરીકુંડમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના બાદ લેવામાં આવ્યો છે. જેમાં સાત લોકોના મોત થયા છે. તપાસ પૂરી થયા બાદ સુરક્ષાના માપદંડોની સમીક્ષા સુધી ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ સ્થગિત રહેશે.
રાજ્યમાં હેલિકોપ્ટરની વધી રહેલી દુર્ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં લેતાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (Uttarakhand CM Pushkar Singh Dhami)એ હેલિકોપ્ટર સંચાલન મુદ્દે આકરા નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રદેશમાં હેલિકોપ્ટર સેવાઓના સંચાલન માટે કડક SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર) તૈયાર કરવામાં આવશે. જેમાં હેલિકોપ્ટરની ટેક્નિકલ સ્થિતિની સંપૂર્ણ તપાસ અને ઉડાન પહેલાં હવામાનની સચોટ માહિતી મેળવવી અનિવાર્ય છે.
ઘટનાની જાણ થતાં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીએ આ મામલે ‘X’ પર પોસ્ટ કરીને હેલિકોપ્ટરના મુસાફરો સુરક્ષિત હોય તેવી કામના કરી હતી. તેમણે લખ્યું ‘જનપદ રુદ્રપ્રયાગમાં હેલકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે. એસડીઆરએફ, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય રેસ્ક્યૂ દળ બચાવ કામગીરી કરી રહ્યા છે.’