રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો

અસહ્ય બફારા બાદ જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે ચોમાસાની ઋતુનું ગુજરાતમાં ધમાકેદાર આગમન થયું છે. ગત મોડી રાત્રે 2થી 4 વાગ્યા સુધીના બે કલાકમાં બોટાદમાં 4 ઈંચ નોંધાયો હતો. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ ગઢડામાં 14 ઇંચ, પાલીતાણામાં 12 ઇંચ, સિહોરમાં 11.6 ઇંચ, બોટાદમાં 11 ઇંચ, ઉમરાળામાં 10.4 ઇંચ, જેસરમાં 11 ઈંચ, મહુવામાં 9 ઈંચ અને રાજુલામાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં 17 જૂને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘગર્જના સાથે અત્યંત ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
18-19 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 12થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. જેમાં જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અમરેલીથી ધારી હાઇવે પર ધોધમાર વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. નાના માશીયાળા ગામ નજીક એક વૃક્ષ ધરાશાયી થતાં તે એસટી બસ પર પડ્યું હતું, જેના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. દેવરાજીયા-માણીલા રોડ પર પણ ખેતરોના પાણી રોડ પર આવી જતાં માર્ગ પાણી-પાણી થઈ ગયો હતો, જેનાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.







