નવસારી મહાનગરપાલિકા દ્વારા હેન્ડ ફોગીંગ મશીનોની ખરીદી–આરોગ્ય સુરક્ષા માટે વધુ એક સફળ પગલું
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના આરોગ્યની રક્ષા અને મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા સામે અસરકારક નિવારક પગલાં સ્વરૂપે મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. મહાનગરપાલિકા ના શહેરી મલેરિયા નિયંત્રણ વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં વ્યાપક ફોગીંગ કામગીરી માટે કુલ 13 નવી હેન્ડ ફોગીંગ મશીનોની ખરીદી કરવામાં આવી છે.
આ મશીનોની મદદથી શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરોના ઉત્પત્તિસ્થળો પાસે નિયમિત ધુમ્મસ છાંટવાની કામગીરી કરી શકાશે, જેનાથી મચ્છરજન્ય રોગોનું નિયંત્રણ શક્ય બનશે. મશીનોની ખરીદીથી મહાનગરપાલિકા હવે વધુ વિસ્તૃત વિસ્તારને ઓછા સમયમાં આવરી શકે તેવાં કાર્યક્ષમ બની રહેશે.
શહેરમાં રોગચાળાની આવકને અટકાવવા અને સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણીય માહોલ ઊભો કરવો એનો મુખ્ય હેતુ છે. ફોગીંગ કામગીરી ઉપરાંત, નાગરિકોને પણ મચ્છરજન્ય રોગો અંગે જાગૃત કરવાના પ્રયત્નો મલેરિયા વિભાગ દ્વારા સતત હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમ કે ઘરોના આસપાસ પાણી ભેગું ન થવા દેવું, પાણીની ટાંકી કે કૂણાઓને ઢાંકીને રાખવા વગેરે સૂચનાઓ આપવામાં આવી રહી છે.
આ પહેલ સ્વચ્છ અને આરોગ્યદાયક નવસારી માટે ખૂબ મહત્વપૂર્ણ છે. સમગ્ર કામગીરી માટે મલેરિયા વિભાગના અધિકારીઓ તથા સફાઈ કર્મચારીઓ પ્રતિબદ્ધતાપૂર્વક કાર્યરત છે.