નર્મદા જિલ્લામાં તા.૨૩ મી જૂનથી તા.૦૩ જી જુલાઇ ૨૦૨૫ દરમિયાન ધો.૧૦ અને ધો.૧૨ની પૂરક પરીક્ષાઓ યોજાશે
નિવાસી અધિક કલેકટર સી.કે.ઉંધાડના અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિનાં સભ્યઓની બેઠક યોજાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાત રાજય શિક્ષણ બોર્ડ દ્વારા જુન-જુલાઈ ૨૦૨૫ માં ધો.૧૦ અને ધો.૧૨ ની વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહના ઉમેદવારોની પૂરક પરીક્ષાઓ યોજાનાર છે. આ પરિક્ષાનાં આયોજન અને માર્ગદર્શનના ભાગરૂપે નિવાસી અધિક કલેકટર સી.કે.ઉંધાડના અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિનાં સભ્યઓની જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરએ પરીક્ષાના સંપૂર્ણ આયોજન બાબત, પરીક્ષાના કાયદા અને વ્યવસ્થાપન અંગે, પરીક્ષા કેન્દ્રો વીજળી વ્યવસ્થા બાબત, વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળે સમયસર પહોચી શકે તે માટે એસ.ટી.વ્યવસ્થા, આરોગ્ય સુવિધા, પરીક્ષા દરમિયાન ટ્ર્રાફિક વ્યવસ્થા, પરીક્ષા અંગે કાઉન્સેલીંગ સેન્ટર ઉભા કરવા બાબત, સીસીટીવી કેમેરા, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા અંગે વિસ્તૃતમાં જાણકારી મેળવી સલાહ-સૂચનો આપ્યા હતાં.
નર્મદા જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારી ડો. કિરણબેન એલ.પટેલે એસ.એસ..સી/એચ.એસ.સી સા.પ્ર.પુરક પરીક્ષા માટેના આયોજન અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી. ધો.૧૦ની પરીક્ષા ૧. અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ રાજપીપલા, ૨. કલરવ માધ્યમિક શાળા રાજપીપલા, ૩. માય સાનેન સ્કૂલ વાડિયા રાજપીપલા, અને ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૧. માધ્યમિક અને ઉચ્ચત્તર મા.શાળા ગરૂડેશ્વર, તથા ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા ૧. શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય ૨. શ્રી એસ.આર.મહિડા કન્યા વિનયમંદિર રાજપીપલા ખાતે યોજાશે. તા.૨૩-૦૬-૨૦૨૫ થી તા.૦૩-૦૭-૨૦૨૫ દરમિયાન યોજાશે. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક પ્રેમલ પટેલ સહિત જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યઓ ઉપસ્થિત રહ્યાં હતાં