નવસારી ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષ રથ ને લીલી ઝંડી આપીને વૃક્ષ વિતરણની શરૂઆત કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા અને સામાજિક વનવિભાગના સંયુક્ત ઉપક્રમે “એક પેડ માં કે નામ 2.0” અભિયાન અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન પંડિત દિન દયાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે,મ્યુનિસિપલ કમિશ્નરશ્રી દેવ ચોધરી, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ,નાયબ કમિશ્નર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ‘વૃક્ષ રથ’ને લીલી ઝંડી આપીને વૃક્ષ વિતરણની શરૂઆત કરવામાં આવી હતી. શહેરના વિકાસ સાથે પર્યાવરણ રક્ષણને મહત્વ આપે તેવા પ્રયત્ન રૂપે આ અભિયાનના માધ્યમથી જનતામાં વૃક્ષારોપણ માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. નવસારીની જાહેર જનતાને હવે “NMC Connect” મોબાઇલ એપ્લિકેશન પર સરળતાથી ફ્રી વૃક્ષની માંગણી (Demand) કરવાની સુવિધા ઉપલબ્ધ છે. વૃક્ષની માંગણી કર્યા પછી પાંચ દિવસના અંદર વૃક્ષ ઉપલબ્ધ થવા અંગે મ્યુનિસિપલ ટીમ સંપર્ક કરશે અને સ્ટોક મુજબ વિતરણ કરશે. રજીસ્ટર કરનાર વ્યક્તિએ સ્થળ પરથી વૃક્ષ લઈ જવું ફરજિયાત રહેશે. જો વિતરણ સમયે વૃક્ષ લેવામાં નહીં આવે તો તે રજીસ્ટ્રેશન રદ માનવામાં આવશે. દરેક વ્યક્તિ પાસે વૃક્ષ રોપ્યા પછી તેની સાચવણી કરવા પ્રતિબદ્ધતા હોવી આવશ્યક છે. મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કે વૃક્ષ રોપ્યા પછી તેને પાણી આપવું, જરૂરી હોવા પર સહારો બાંધવો, દોરો લગાવી રક્ષણ આપવું, તેમજ જમીન ઊંડાણ અને જગ્યાનું યોગ્ય મૂલ્યાંકન કરીને જ વૃક્ષ રોપવું જરૂરી રહેશે. જો વૃક્ષો જાળવવામાં બેદરકારી જોવા મળશે તો પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પર્યાવરણને બચાવવા દરેક નાગરિકે એક પેડ પોતાના અને તેમના આવનારા ભવિષ્ય માટે જરૂર રોપવું જોઈએ, તો રાહ ના જોવો અને sacn કરી રોપા મેળવો.