ઈન્ટરનેટ કેબલના બહાને લૂંટ કરનાર બે આરોપી ઝડપાયા: દહેજના જોલવા ગામમાં મહિલાના ઘરમાંથી 25 હજારની લૂંટ, CCTVની મદદથી પોલીસે આરોપીઓને દબોચ્યા

સમીર પટેલ, ભરૂચ
દહેજ પોલીસે ઈન્ટરનેટ કેબલ નાખવાના બહાને લૂંટ કરનાર બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના સેફ્રોન સિટીના ટાઈગર પ્લાઝા રેસીડન્સીમાં બની હતી. ત્રણ દિવસ પહેલા બે અજાણ્યા શખ્સો ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. તેઓએ ઈન્ટરનેટનો કેબલ નાખવાનું કહીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ફરિયાદી મહિલા તેના 7 માસના બાળક સાથે ઘરે હતી. આરોપીઓએ ઘરમાંથી 25 હજાર રૂપિયાની માલમત્તાની લૂંટ ચલાવી હતી. દહેજ પોલીસે પીઆઈ એચ.બી.ઝાલાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી. પોલીસે 100થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી. ટેક્નિકલ સર્વેલન્સની મદદથી બે આરોપીઓને પકડી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ફૈયાઝ અબ્દુલ ઐયુબ અબ્દુલ (રહે. મહમદપુરા, પીર કાઠી રોડ, ભરૂચ) અને મહમદ ફૈયાઝ મહમદ હનીફ શેખ (રહે. ફુરજા રોડ, ભરૂચ)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 50 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.




