અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા માટે રૂટનું મેયર દ્વારા નિરીક્ષણ, તૈયારીઓ અંતિમ તબક્કામાં

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ શહેરમાં 27મી જૂને યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ હાલ અંતિમ તબક્કામાં છે. રથયાત્રા પૂર્વે શહેરની મેયર પ્રતિભા જૈનના નેતૃત્વમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સમગ્ર યાત્રામાર્ગનું રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જમાલપુર સ્થિત જગન્નાથજીના મંદિરથી શરુ થઈને સરસપુર મોસાળ સુધી જતી આ પરંપરાગત યાત્રામાં દરવર્ષે લાખો ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લે છે. ભીડ, સલામતી અને વ્યવસ્થાની તૈયારી માટે મેયર તથા તંત્ર દ્વારા માર્ગનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
રથયાત્રાના રૂટ પર હાલમાં ઇજનેરિંગ વિભાગ દ્વારા રોડ મીલીંગ, હેવી પેચવર્ક, ફૂટપાથ રિપેરિંગ તથા કલરિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત, માર્ગના સ્તરને સમાન કરવામાં આવી રહ્યો છે જેથી ભક્તો માટે આરામદાયક યાત્રા સુનિશ્ચિત થાય.
એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રા રૂટ પર આવેલા ભયજનક મકાનો અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 525 નોટિસો આપવામાં આવી છે અને 22 જેટલા ભયજનક માળખાંને તોડી પાડવામાં આવ્યા છે.
રૂટ નિરીક્ષણ દરમિયાન ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ દેવાંગ દાણી, મ્યુનિસિપલ કમિશ્નર સહિતના અધિકારીઓ તથા જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પણ ઉપસ્થિત રહ્યા.
સુરક્ષા વ્યવસ્થાની દૃષ્ટિએ પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયંત્રણ, ફાયર સેફ્ટી, એમ્બ્યુલન્સ સેવા તેમજ CCTV અને ડ્રોન દ્વારા દેખરેખ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોની આરામદાયક યાત્રા માટે પાણી, ચા, અને આરોગ્ય સેવાનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે.
શહેરમાં આ યાત્રાને લઈને ધર્મભાવના અને ઉત્સાહનું વિશિષ્ટ માહોલ સર્જાયું છે. યાત્રામાર્ગે ધાર્મિક ઝાંખીઓ, એલઇડી લાઈટિંગ તથા રંગબેરંગી શણગાર પણ ભક્તોની આસ્થા અને રાષ્ટ્રીય વારસાને ઉજાગર કરશે.
મ્યુનિસિપલ તંત્ર, પોલીસ વિભાગ અને મંદિર ટ્રસ્ટ ભક્તોની ભક્તિ અને સુરક્ષાને સમાન મહત્વ આપી, યાત્રાને શાંતિપૂર્ણ અને ભવ્ય બનાવવા પ્રતિબદ્ધ છે.




