ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મેગા રક્તદાન કેમ્પ યોજાયો

23 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
સુરત સીટી પોલીસ ઝોન -૫ ના સહયોગથી યોજાયેલ કેમ્પમાં ૨૦૦૦+ યુનિટ રક્ત એકત્રિત થયું રક્ત દાતાઓને હેલ્મેટ આપી ટ્રાફિક જાગૃતિ ફેલાવાઈ.અડાજણ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અને સુરત સીટી પોલીસ ઝોન – ૫ ના સંયુક્ત ઉપક્રમે થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે ભવ્ય મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માનવતાભર્યા અભિયાનમાં ૨૦૦૧ યુનિટ રક્ત એકત્રિત કરીને સમાજ સેવાની એક ઊંચી મિસાલ રજૂ કરવામાં આવી. શાળાના ઉપપ્રમુખ જીગ્નેશભાઈ માંગુકિયા અને મેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઇ માંગુકિયાની આગેવાની હેઠળ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આ શિબિર યોજાઇ હતી. અધિક કમિશનર રાકેશ બારોટના નેતૃત્વ હેઠળ ઝોન – ૫ ના રાંદેર, અડાજણ, જહાંગીરપુરા, અમરોલી, અને ઉતરાણ પોલીસ સ્ટેશનોના પીઆઇ ની ટીમો, શાળાના ૯૦૦૦ વિદ્યાર્થીઓના વાલીઓ અને જાહેર જનતા સહિત હજારો લોકોએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું. કેમ્પમાં રક્તદાતા વાલીઓને ટ્રાફિક સલામતી માટે હેલ્મેટ અને સર્ટિફિકેટ આપી ” લોહી અકસ્માતમાં નહીં, જીવ બચાવવા માટે આપવું ” એવો સંદેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ સાથે ટ્રાફિક નિયમોના પાલન અંગે પણ જાગૃતિ ફેલાવાઈ. આ અભિયાનમાં શહેરની ૧૫ થી વધુ જાણીતી બ્લડ બેંકો જોડાઈ હતી. જેમણે ૩૦૦૦ થી ૩૫૦૦ યુનિટ રક્ત એકત્રિત કરવાની વ્યવસ્થા કરી હતી. શાળાના કેમ્પસ ડાયરેક્ટર, આચાર્યગણ, અને ૬૦૦ થી વધુ શિક્ષકોએ આ શુભ કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવી. તેમણે વાલીઓ અને રક્તદાતાઓને રક્તદાનના મહત્વ વિશે સમજાવ્યું અને થેલેસેમિયા અંગે જાગૃતિ ફેલાવી હતી. શાળા પરિવાર તરફથી તમામ વાલીઓ, જાહેર જનતા, બ્લડબેન્ક, અને પોલીસ વિભાગનો આભાર માનવામાં આવ્યો અને આવનારા સમયમાં પણ આવા સામાજિક પ્રયાસો ચાલુ રાખવાના સંકલ્પ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. તસવીર અહેવાલ દીપકભાઈ રાવલ








