
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમાધારનો વરસાદ પડી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદી ધાર ધીમી પડતા ખેડૂતો ખેતીનાં કામોમાં જોતરાઈ ગયા છે.ડાંગ જિલ્લામાં વરસાદ ધીમો પડતા જનજીવન પણ થાળે પડ્યુ છે.મંગળવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,ગલકુંડ,બોરખલ,આહવા,ચિંચલી,ગારખડી,પીપલાઈદેવી,લવચાલી,સુબિર,સિંગાણા, બરડીપાડા,કાલીબેલ, ઝાવડા, ભેંસકાતરી,વઘઇ, સાકરપાતળ સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ક્યાંક ઝરમરીયો તો ક્યાંક મધ્યમ તો ક્યાંક ધીમીધારનો વરસાદ પડ્યો હતો.ડાંગ જિલ્લામાં ગત મે મહિનાથી હાલમાં જૂનનાં આખરનાં દિવસો સુધીમાં વરસાદી માહોલે રમઝટ બોલાવતા નદી,નાળા, વહેળા, કોતરડા,નાના મોટા જળધોધ છલકાઈને સક્રિય બન્યા છે.ડાંગ જિલ્લાનાં જાણીતા અને માણીતા ધોધમાં વઘઇનો ગીરાધોધ અને ગીરમાળનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે. ગિરિમથક સાપુતારા ખાતે રોજેરોજ વરસાદી માહોલ બાદ ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનાં દ્રશ્યો અપ્રિતમ બન્યા છે.સાપુતારા સહીત તળેટી વિસ્તારમાં ગાઢ ધુમ્મસીયા વાતાવરણનાં પગલે રોજેરોજ વિઝીબિલિટીની સમસ્યા સર્જાઈ રહી છે.જેને પગલે વાહનચાલકોને વાહનોની સિગ્નલ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 15 મિમી,સુબિર પંથકમાં 25 મિમી અર્થાત 1 ઈંચ, સાપુતારા પંથકમાં 28 મિમી અર્થાત 1.12 ઈંચ, જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 32 મિમી અર્થાત 1.28 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..




