પાલનપુર ખાતે મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ ૨૦૨૫ની ઉજવણી કરાઈ
25 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વર્ષ ૧૯૭૫ની કટોકટી એ ભારતીય લોકશાહી ઇતિહાસનો કાળો અધ્યાય :- મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવીએ: સંવાદ અને સહમતિથી કાર્ય કરીએ:- મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત બનાસકાંઠા પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉનહોલ, પાલનપુર ખાતે સંવિધાન હત્યા દિવસ-૨૦૨૫ની ઉજવણી કરાઈ હતી. કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષની પૂર્ણતાના આરે આ સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાઈ હતી. દેશના લોકશાહી ઇતિહાસમાં કટોકટીના કાળા કાયદાને યાદ કરીને લોકશાહીના મૂલ્યો અને સંવિધાનના રક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવા આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતએ જણાવ્યું હતું કે, આજથી બરાબર ૫૦ વર્ષ પહેલાં, ૧૯૭૫માં, ભારતના લોકશાહી ઇતિહાસમાં એક કાળો અધ્યાય લખાયો હતો. આજના દિવસે, તત્કાલીન સરકારે દેશભરમાં કટોકટી લાદી હતી, જેને આપણે ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે પણ યાદ કરીએ છીએ કારણ કે એ માત્ર કટોકટી નહોતી, એ લોકશાહી, સ્વતંત્રતા અને મૌલિક હકો પર કરવામાં આવેલ એક ગંભીર હુમલો હતો.મંત્રીશ્રીએ જણાવ્યું કે, કટોકટી દરમિયાન પ્રેસની સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવી લેવામાં આવી હતી. અખબારોમાં શું છાપવું અને શું ન છાપવું, તે સરકાર નક્કી કરતી હતી. વિરોધ પક્ષના નેતાઓને કોઈ કારણ વગર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. લોકશાહીનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. નાગરિકોના મૂળભૂત અધિકારો, જે આપણા સંવિધાનનું હૃદય છે, તેને સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લોકતંત્રને મજબૂત બનાવવાની જવાબદારી આપણા સૌની છે. સૌ સાથે મળીને લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવીએ, સંવાદ અને સહમતિથી કાર્ય કરીએ, અને દરેક નાગરિકને સમાન અધિકાર અને અવસર મળે તે સુનિશ્ચિત કરીએ. આપણા સ્વતંત્ર સેનાનીઓએ જે લોકશાહી માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કર્યા, તેનું આપણે સન્માન કરીએ અને તેને ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત રાખીએ.આ પ્રસંગે રાજ્યસભા સાંસદશ્રી બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, કટોકટી દરમિયાન લોકશાહીના ચાર આધાર સ્તંભો કારોબારી, ધારાસભા, ન્યાયપાલિકા અને અને મીડિયા પર દાબ મુકવામાં આવ્યો હતો. આ દરમિયાન આમ પ્રજાને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. કટોકટીના સમયમાં સરકારે લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. મંત્રીશ્રી અને મહાનુભાવોએ આ કાર્યક્રમ અનુરૂપ પ્રદર્શન નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકર, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, જિલ્લા અગ્રણીશ્રી કનુભાઈ વ્યાસ સહિત સબંધિત અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.