Jetpur: જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પ્રાચાર્ય શ્રી સંજયભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને જેતપુરના મોટા ગુંદાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

તા.૨૮/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મહાનુભાવો દ્રારા ભૂલકાંઓને પ્રવેશ સાથે તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા: વૃક્ષારોપણ કરાયું
Rajkot, Jetpur: સમગ્ર રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫નો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે જેતપુર તાલુકાના મોટા ગુંદાળા શાળા ખાતે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી સંજયભાઈ મહેતા દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવી ભૂલકાઓને શાળા તરફ પા પા પગલી કરાવવામાં આવી હતી.
આ તકે, શ્રી સંજયભાઈ મહેતાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી કાળમાં આ મહોત્સવનો પ્રારંભ કર્યો આવ્યો હતો અને આજે આ મહોત્સવ રાષ્ટ્રની પસંદગી પામેલી પ્રધાનમંત્રીશ્રી શાળાઓમાંથી એક એવા મોટા ગુંદાળા શાળા ખાતે યોજાયો છે ત્યારે શાળાના વિકાસ માટે શાળાની સમગ્ર ટીમ તેમજ ગ્રામજનોનો સહકાર અભિનંદનને પાત્ર છે. બાળકોના વિકાસમાં શિક્ષણ એ મહત્વનો પાયો છે ત્યારે ખાનગી શાળાઓ છોડી ગ્રામજનો તાલીમ પામેલા આ શિક્ષકો પાસે ભૂલકાંઓને અભ્યાસ અર્થે મોકલી રહ્યા છે તે અન્યો માટે પ્રેરણારૂપ છે.
શ્રી મહેતાએ ઉમેર્યું હતું કે, જંક ફૂડ એ બાળકો અને યુવા પેઢીનો સૌથી મોટો દુશ્મન છે ત્યારે નિયમિત સ્વચ્છતા અને ખાન પાનમાં જંકફૂડથી દૂર રહી પોષકતત્વોભર્યો ખોરાક લેવાથી બાળકોમાં થતી મેદસ્વિતાને પણ ઘટાડી શકાશે અને તેમના વિકાસને વધુ પ્રોત્સાહન આપી શકાશે. આ સાથે તેમણે વ્યસન મુક્તિ માટે પણ વાલીઓ અને બાળકોને અપીલ કરી હતી.
અધ્યક્ષશ્રી તથા અન્ય મહાનુભાવો દ્વારા ૪૬ બાળકોને આંગણવાડી, બાલવાટિકા અને ધો.૧મા શાળાઓ ખાતે કીટ, સ્કૂલ બેગ સહિતની શૈક્ષણિક વસ્તુઓ એનાયત કરી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. સાથે જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના અને એન.એમ.એમ.એસ. યોજનાઓમાં મેરીટમાં સ્થાન મેળવનાર, એક થી આઠ ધોરણમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ, વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના બાળકો દ્વારા જંકફૂડ જેવા વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. મહાનુભાવશ્રીઓ હસ્તે દાતાશ્રીઓને સન્માનિત કરાયા હતા.અધિકારીશ્રીના હસ્તે શાળા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
આ તકે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી સુભાષભાઈ બાંભરોલીયા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી જીગ્નેશભાઈ રાદડિયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી જયદીપભાઇ વણપરીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કાજલબેન જાની, શ્રી દીપકભાઈ દઢાણીયા, સરપંચ શ્રી ગોપાલભાઈ અમીપરા તથા ગામના આગેવાનો,દાતાશ્રીઓ, આચાર્યશ્રી, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.







