GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે પરિવારને તૂટતો બચાવ્યો

તા.૨૮/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ટીમના કુશળ કાઉન્સેલિંગ દ્વારા પતિ-પત્ની વચ્ચે કરાવાયું સુખદ સમાધાન

Rajkot: રાજ્યભરમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અનેક મહિલાઓની સહાય કરવા સાથે પરિવારોને તૂટતા બચાવવામાં મદદરૂપ બની રહી છે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને ફોન કરી એક પિડીત મહિલાએ તેમના પતિ દ્વારા તેમની સાથે થયેલી મારપીટ અને તેમની દીકરીઓને ગેરશબ્દ કહેતા હોવા વિષે જણાવ્યું હતું. માહિતી મળતાં જ ૧૮૧ અભયમ હેલ્પલાઇનના કાઉન્સેલર શ્રી વૈશાલીબેન ચૌહાણ સહિતની ટીમ ઘટના સ્થળ પર મહિલાની મદદ માટે રવાના થઈ હતી.

ટીમે સ્થળ પર પહોંચી મહિલાને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, દંપતિના લગ્નને ૧૬ વર્ષ જેટલા સમયગાળામાં ત્રણ સંતાન છે. ૧૫ દિવસ પહેલા રસોઈની બાબતમાંથી પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે પીડિત મહિલાના પતિએ પીડિતા સાથે મારપીટ કરી હતી. પીડિત મહિલાએ તેમના પતિ સાથે છેલ્લા ૧૫ દિવસથી વાતચીત કરવાનું બંધ કર્યું છે અને વાતચીત ન કરવાના કારણે પતિ-પત્નીના સંબંધમાં વધારે મતભેદ થવા લાગ્યો હતો.

પીડીત મહિલાએ તેમના માતાને બોલાવી અને છુટાછેડા કરવાનું નક્કી કરતાં તેમના માતાએ તેમને ૧૮૧ હેલ્પલાઇનની સહાય લેવા સલાહ આપી હતી. પીડીત મહિલા અને તેમના પતિ સાથે વાતચીત કર્યા બાદ ટીમે મહિલાના પતિનું કાઉન્સિલિંગ કર્યું હતું. જેમાં મહિલાના પતિએ મોંઘવારીના સમયમાં આર્થિક રીતે હેરાન થતા હોવાથી ઘરની અંદર ઝઘડાઓ થવાનું કારણ જણાવ્યું હતું. ટીમે મહિલાના પતિને મારપીટ કરવી એ સમસ્યાનું નિવારણ નથી તેમ સમજાવી આર્થિક તંગીમાં બંને પક્ષે જરૂર મુજબના ખર્ચો કરી ગુજરાન ચલાવવું જોઈએ તેમ સમજાવ્યું હતું. પીડિત મહિલાને પણ બાળકોના ભવિષ્ય વિશેની સમજણ આપી હતી તથા મહિલાના પતિએ હવે પછી મહિલા સાથે મારપીટ નહીં કરે તેવી બાંહેધરી આપી હતી.

મહિલા પણ રાજી ખુશીથી તેમના પતિ તથા બાળકો સાથે રહેવા માંગતા હતા. જે માટે યોગ્ય સલાહ-સુચન,માર્ગદર્શન મળતાં પીડિતા મહિલાના માતા તથા મહિલાએ આનંદની લાગણી વ્યક્ત કરી ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ,અભયમ ટીમે એક પરિવારને તૂટતો બચાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!