ગોધરા જિલ્લા પંચાયતના વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર 3 સાતપુલ દ્વારા મચ્છરથી ફેલાતા રોગચાળાને અટકાવવા માટે ફોગિંગની કામગીરી હાથ ધરી

પંચમહાલ ગોધરા:
આશિષ બારીઆ ગોધરા
ઉનાળાના અંત અને ચોમાસાના આગમન પૂર્વે મચ્છરજન્ય રોગોના સંભવિત ઉપદ્રવને અટકાવવા માટે ગોધરાના અર્બન હેલ્થ સેન્ટર-૩ સાતપુલ દ્વારા સઘન મચ્છર નિયંત્રણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં ડૉ. પાર્થકુમાર કટારા અને ડૉ. રૂકસાના અન્સારીના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર કલ્પેશકુમાર રાવત અને એમ. પી. એચ. ડબ્લ્યુ ભાઈઓ તેમજ વેક્ટર કંટ્રોલ કમલેશકુમાર એમ. મકવાણા સહિતની ટીમે જિલ્લા પંચાયત ગોધરા સહિતના ચેપી ગ્રસ્થ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કર્યો હતો.
આ અભિયાનમાં મચ્છરોનો નાશ કરવા માટે ત્રણ મુખ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં ટેમી ફોર્સ દ્રાવણનો છંટકાવ કર્યો હતો. આ લાર્વિસાઈડ દવા સ્થિર પાણીમાં છાંટીને મચ્છરના પોરા અને પ્યુપાનો નાશ કરે છે. કુલર, ટાયર, પાણીની ટાંકીઓ જેવી જગ્યાઓએ તેનો ઉપયોગ કરવાથી પુખ્ત મચ્છરોની ઉત્પત્તિ જ અટકી જાય છે, જે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોને મૂળમાંથી રોકવામાં મદદરૂપ થાય છે. આ દવા ઝેરી ન હોવાથી પીવાના પાણીમાં પણ નિશ્ચિત માત્રામાં વાપરી શકાય છે. સાથે બી.ટી.આઈનો પણ છંટકાવ કર્યો જેમાં કુદરતી બેક્ટેરિયા આધારિત લાર્વિસાઈડ મચ્છરના પોરાના પાચનતંત્રને નુકસાન પહોંચાડી તેમને મારે છે. તે પર્યાવરણ માટે સુરક્ષિત છે અને રાસાયણિક દવાઓ ટાળવી હોય તેવા વિસ્તારોમાં ઉપયોગી છે. આ સાથે
ઓઈલ ફોગિંગ કરવામાં આવ્યું હતું. આ પદ્ધતિમાં ખાસ મશીન દ્વારા જંતુનાશક દવાને ઝીણા ધુમ્મસ સ્વરૂપે હવામાં ફેલાવીને ગીચ વસ્તીવાળા અને ખુલ્લા વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે
કરવામાં આવ્યો હતો.
આમ ઉપરોક્ત દવાઓના છંટકાવથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા વાયરસ જેવા મચ્છરજન્ય રોગોને ફેલાતા અટકાવી શકાય છે. આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે આવી કામગીરી અત્યંત આવશ્યક છે, કારણ કે મચ્છરો પાણીના નાનામાં નાના સંગ્રહસ્થાનમાં પણ પ્રજનન કરી શકે છે. ગોધરાના નાગરિકોને પણ પોતાના ઘર અને આસપાસના વિસ્તારોમાં પાણીનો ભરાવો ન થાય તેની કાળજી રાખવા અને આરોગ્ય વિભાગને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. જેથી જાહેર આરોગ્યની સુરક્ષા જાળવી શકાય.







