શહેરાની સરકારી આર્ટ્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
૦૬ નોકરીદાતાઓ દ્વારા કુલ ૭૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
જિલ્લા રોજગાર વિનિમય કચેરી,પંચમહાલ અને સરકારી આર્ટ્સ કોલેજ,શહેરાના સંયુક્ત ઉપક્રમે શહેરા ખાતે ઔધોગિક રોજગાર/એપ્રન્ટિસ ભરતીમેળો અને કારકિર્દી માર્ગદર્શન યોજાયો હતો. જેમાં ૦૬ નોકરીદાતા કંપનીઓ દ્વારા કુલ ૭૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
આ ભરતીમેળામાં પંચમહાલ જિલ્લાની ૦૬ નોકરીદાતા કંપનીઓ દ્વારા ટ્રેની, હેલ્પર, ઓપરેટર, ફાઈનાન્સ પ્લાનર, ફિલ્ડ ઓફીસર, લોન ઓફીસર, ઇવેલ્યુટર જેવી ૧૨૦થી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે પૈકી ૭૪ ઉમેદવારોની ઈન્ટરવ્યુ પ્રક્રિયાના માધ્યમથી સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
આ તકે જિલ્લા રોજગાર વિનિમય કચેરીના પ્લેસમેન્ટ અધિકારી પ્રશાંતભાઇ રાણા, કેરિયર કાઉન્સેલર રાકેશભાઇ સેવક અને કોલેજના પ્લેસમેન્ટ કોઓર્ડીનેટર કર્ણભાઇ જાદવ દ્વારા ઉમેદવારોને રોજગારલક્ષી, એપ્રન્ટિસ અને નિવાસી તાલીમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ભરતીમેળામાં જિલ્લાના એસ.એસ.સી, એચ.એસ.સી, આઇ.ટી.આઇ, ડિપ્લોમા અને સ્નાતક સુધીનો અભ્યાસ કરેલા ૨૩૦થી વધુ મહિલા અને પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો હતો.







