GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી અભયમ્ ટીમ

તા.૩૦/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમે ભૂલા પડેલા વૃદ્ધાને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા

Rajkot: રાજકોટ શહેરમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમે ફરી વાર કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. ભૂલા પડેલા એક વૃદ્ધાને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડી ટીમે માનવતાનું કાર્ય કર્યું છે. જેના કારણે વૃદ્ધાના પરિવારજનોએ અભયમ્ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

એક જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જાણ કરી કે, એક વૃદ્ધ માજી રસ્તા પર બેઠા છે અને તેમને મદદની જરૂર છે. કોલ મળતાની સાથે જ અભયમ્ ટીમના કાઉન્સિલરશ્રી બીનાબેન ગોહિલ, કોન્સ્ટેબલશ્રી મનીષાબેન અને પાયલોટશ્રી વિજયભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થયા હતા.

ટીમે સ્થળ પર પહોંચીને જોયું કે, વૃદ્ધ માજી ચિંતાતુર હાલતમાં રસ્તા પર બેઠા હતા. સજ્જન સાથે પરામર્શ કરતા જાણવા મળ્યું કે, માજીને તેમના ઘરનું સરનામું યાદ નથી. અભયમ્ ટીમે માજીને આશ્વાસન આપ્યું, પાણી પીવડાવ્યું અને તેમની સાથે વાતચીત કરી. માજીએ જણાવ્યું કે, ઘરેથી નીકળી ગયા છે અને ઉંમરના કારણે યાદશક્તિ નબળી પડતાં ઘરનું સરનામું યાદ નથી. તેમણે એ પણ જણાવ્યું કે, દીકરા સાથે રહે છે, જે મજૂરી કામ કરે છે.

આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા એક વ્યક્તિએ માજીને તેમના વિસ્તારમાં જોયા હોવાનું જણાવ્યું પરંતુ ઘરના સરનામા વિશે તેમને પણ ચોક્કસ માહિતી ન હતી. જો કે તેમની પાસેથી મળેલા અંદાજિત સરનામા (૧૫૦ ફીટ રીંગ રોડ) પર અભયમ્ ટીમ પહોંચી અને આજુબાજુ પૂછપરછ કરતા માજીનું ઘર શોધી કાઢ્યું.

અભયમ્ ટીમે માજીને સુરક્ષિત તેમના ઘરે પહોંચાડ્યા અને તેમને એકલા ઘરની બહાર ન નીકળવા અંગે સમજાવ્યા. થોડા સમય બાદ માજીના પુત્ર ઘરે આવતા ટીમે તેમને પણ પરિસ્થિતિ સમજાવી. માજીના પુત્રે જણાવ્યું કે ઘરમાં માતા સાથે રહે છે અને બે બહેનો સાસરે છે. તેમણે ઉમેર્યું કે કામ કરવા બહાર ગયા અને તેમના માતા ઘરેથી બહાર નીકળી ગયા હતા. તેમણે એ પણ જણાવ્યું કે માતાને વૃદ્ધાવસ્થાને કારણે ભૂલવાની બીમારી છે અને આ પહેલા પણ એક વાર ઘરેથી બહાર નીકળી ગયા હતા. માજીના પુત્રે જણાવ્યું કે, બહારથી જમવાનું લાવે છે, ઘરનું બધું કામ જાતે કરે છે અને માતાની સંપૂર્ણ સારસંભાળ રાખે છે.

ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય, તે માટે અભયમ્ ટીમે સાવચેતીના ભાગરૂપે માજીના પુત્રનો નંબર અને ભાણેજનો નંબર એક કાગળ પર લખીને માજીને આપ્યો હતો. જેથી, . અભયમ્ ટીમે માજીને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડતા માજીના પુત્રે ટીમ પ્રત્યે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના ૧૮૧ મહિલા હેલ્પલાઇનની સતર્કતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આમ, કહી શકાય કે ગુજરાત સરકારની અભયમ્ ટીમ સમાજમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Back to top button
error: Content is protected !!