ડેડીયાપાડાના સોલીયા ગામના વ્યક્તિની કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી
તાહિર મેમણ – ડેડીયાપાડા – 01/07/2025 – નર્મદા જિલ્લાની એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ડેડીયાપાડાના સોલીયા ગામના ઈન્દ્રમણી દલસુખ વસાવાને સગીરા સાથે દુષ્કર્મ બદલ 20 વર્ષની કેદની સજા ફટકારી છે.
આરોપીએ 14 વર્ષ અને 8 મહિનાની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી હતી. તેણે સગીરા સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી. સગીરાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ આરોપીએ સગીરાને બીમાર હોવાનું કહી તેનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો.
નિરાશ થયેલી સગીરાએ 14 સપ્ટેમ્બર 2022ના રોજ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. હાલમાં તેની દીકરી સગીરાના માતા-પિતા સાથે રહે છે.
કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ ઉપરાંત 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વધુમાં, પીડિતાના પરિવારને 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
નર્મદા જિલ્લાના રાજપીપલા પોલીસ સ્ટેશનમાં છેલ્લા સમયમાં 14થી 17 વર્ષની સગીરાઓના અપહરણના 25થી વધુ કેસ નોંધાયા છે. મોટાભાગના કેસોમાં પ્રેમ સંબંધ કારણભૂત છે. આ ચુકાદો કિશોરીઓના બાળલગ્ન અને શોષણ સામે એક ચેતવણીરૂપ છે.