બનાસકાંઠાના તમામ તાલુકાઓ ખાતે નાગરિક સંરક્ષણ તાલીમનું કરાયું આયોજન

2 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
જિલ્લામાં આપાતકાલીન પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે ૮૦૧ લાભાર્થીઓને તાલીમ અપાઈ
બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે નાગરિક સંરક્ષણ તાલીમનું આયોજન કરાયું હતું. ભારત સરકાર દ્વારા નાગરિક સંરક્ષણ અધિનિયમ ૧૯૬૮ અને નાગરિક સંરક્ષણ નિયમો ૧૯૬૮ મુજબ શત્રુ હુમલા સામે વ્યક્તિ અને મિલકતના રક્ષણ માટે નાગરિક સંરક્ષણ સેવાના સભ્ય તરીકે જોડાવવા પાત્રતા નક્કી કરાઈ હતી. અત્રેના બનાસકાંઠા જિલ્લામાં કુલ ૬૩૩ અરજીઓ મળેલ હતી. જે ૬૩૩ લાભાર્થીઓ તથા ૧૬૮ આપદા મિત્રો માટે તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં મહેસુલ વિભાગ, પોલીસ વિભાગ, પંચાયત વિભાગ, આરોગ્ય વિભાગ, ફોરેસ્ટ વિભાગ, નગરપાલિકા વિભાગ, એસ.ડી.આર.એફ./એન.ડી.આર.એફ. સહિતના વિભાગો દ્વારા સંયુક્ત રીતે તાલીમ યોજાઈ હતી. જેમાં આપાતકાલીન પરિસ્થિતિમાં વહીવટી કામગીરી, સેલ્ફ ડિફેન્સ, રોડ/રેલ/એર અકસ્માત તથા કાયદા વ્યવસ્થા અંગે, આગ-અકસ્માત સમયે ફાયર સેફટી સાધનોનો ઉપયોગ કરવા અંગે, પુર, વાવાઝોડું, દુષ્કાળ, વીજળી પડવી, હિટ વેવ, કોલ્ડ વેવ, દાવાનળ, વાવાઝોડું, કોવિડ, કોલેરા, ડેન્ગ્યુ, બર્ડ ફ્લૂ, અન્ય બિમારીઓ અંગે, ખેતીના પાકને લગતા રોગો, કીટાણુ હુમલાઓ સબંધિત તાલીમ આપવામાં આવી હતી. આજરોજ પાલનપુર તાલુકા માટે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે, ધાનેરા તાલુકા માટે મોડેલ સ્કૂલ ધાનેરા ખાતે, થરાદ વાવ માટે મોડેલ સ્કૂલ થરાદ ખાતે, સુઈગામ તાલુકા માટે પ્રાંત કચેરી સુઈગામ, ભાભર તાલુકા માટે મોડેલ સ્કૂલ ભાભર, લાખણી તાલુકા માટે મામલતદાર કચેરી લાખણી, દિયોદર તાલુકા માટે મોડેલ સ્કૂલ દિયોદર, અમીરગઢ તાલુકા માટે મોડેલ સ્કૂલ અમીરગઢ, દાંતા તાલુકા માટે મોડેલ સ્કૂલ જગતાપુરા, વડગામ તાલુકા માટે સરસ્વતી હાઇસ્કુલ વડગામ ખાતે, ડીસા તાલુકા માટે ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ખાતે, કાંકરેજ તાલુકા માટે મોડેલ સ્કૂલ રતનપુરા શિહોરી ખાતે તથા દાંતીવાડા તાલુકા માટે મોડેલ સ્કૂલ નીલપુર ખાતે તાલીમનું આયોજન કરાયું હતું.
આ તાલીમમાં પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.








