ભરૂચમાં કોંગ્રેસનો અનોખો વિરોધ:નગરપાલિકા સામે થાળી-વેલણ વગાડી રજૂઆત, શહેરની સમસ્યાઓ મુદ્દે આંદોલનની ચીમકી


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે આજે શહેર કોંગ્રેસના આગેવાનોએ નગરપાલિકા કચેરી ખાતે થાળી-વેલણ વગાડી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
શહેરના મુખ્ય માર્ગો પર દબાણને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. સફાઈ કામગીરીના અભાવે ગંદકીના ઢગલા જોવા મળે છે. પીવાના પાણી, મચ્છરોનો ઉપદ્રવ અને બંધ સ્ટ્રીટલાઈટો શહેરીજનો માટે મુશ્કેલી ઊભી કરે છે.
શહેર કોંગ્રેસના પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ અને ઝુબેર પટેલ સહિતના આગેવાનોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પાંચબત્તીથી ઢાળ, શક્તિનાથ માર્ગ, બંબાખાના, ફાટા તળાવ અને નગીના મસ્જિદ વિસ્તારમાં ટ્રાફિક, ગંદકી અને અપૂરતી સ્ટ્રીટલાઈટોની સમસ્યા તરફ ધ્યાન દોર્યું હતું.
વારંવારની રજૂઆતો છતાં સમસ્યાઓનું નિરાકરણ ન આવતા કોંગ્રેસ આગેવાનોએ થાળી-વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો તાત્કાલિક અસરકારક પગલાં નહીં લેવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની અને પાલિકા કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.




