આદિવાસી સમાજની વેદના:ડહેલીમાં નદી પર બ્રિજનો અભાવ, ડાઘુઓનદી પાર કરી 30 મિનિટમાં સ્મશાન પહોંચ્યાં

સમીર પટેલ, ભરૂચ
વાલિયા તાલુકાના ડહેલી ગામમાં કીમ નદીની સામે પાર આવેલાં આદિવાસી સમાજના સ્મશાન સુધી જવા માટે પુલ નહિ બનાવવામાં આવતાં વધુ એક અંતિમયાત્રાને લઇને ડાઘુઓ નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થયાં હતાં.
ડહેલી ગામથી એક કીમી દૂર સ્મશાન આવેલું છે. 40 જેટલા ડાઘુઓએ પાણીના પ્રવાહ વચ્ચે 30 મિનિટમાં ઠાઠડીને સ્મશાન સુધી પહોંચાડીને મૃતકના અંતિમ સંસ્કાર કર્યા હતાં. મોતનો મલાજો પણ નહિ જળવાતાં તેમનામાં રોષ જોવા મળ્યો હતો.
ડહેલી ગામમાં આદિવાસી સમાજમાંથી કોઇનું મૃત્યુ થાય છે તો પુલના અભાવે આજ રીતે સ્મશાનયાત્રા કાઢવાની ફરજ પડી રહી છે.ગામના કાંછોટા ફળિયામાં રહેતાં ભુદર વસાવાનું મૃત્યું થયું હતું. બુધવારના રોજ તેમની સ્મશાનયાત્રા નીકળી હતી.
ડહેલી ગામે વસતા આદિવાસી સમાજના લોકો આજના યુગમાં પણ પુલની પ્રાથમિક સુવિધાથી વંચિત છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન નદીમાં ઘોડાપૂર આવતાં હાલત વધુ કફોડી બની જાય છે. ગામમાં કોઈ વ્યક્તિનું અવસાન થાય તો અંતિમસંસ્કાર માટે કીમ નદી પાર કરવાની ફરજ પડે છે.પૂરના પાણીમાં પુલ ન હોવાને કારણે ગામલોકો જીવના જોખમે કમર કે ઘૂંટણસમા પ્રવાહમાં નનામી લઈ નદી પસાર કરે છે.
ધસમસતા પાણીમાં જીવના જોખમે નનામી લઈ નદી પાર કરતાં નજરે પડ્યાં હતાં.40 જેટલા ડાઘુઓએ 100 મીટર કરતાં વધારે લંબાઇની નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવાની ફરજ પડી હતી. ગામથી સ્મશાન સુધી પહોંચવામાં તેમને 30 મિનિટનો સમય લાગી ગયો હતો.
જો વરસાદ ન હોય તો કેડ સમા અને વરસાદ હોય તો ગળા સુધીના પાણીમાં જીવના જોખમે અંતિમ વિધિ માટે નનામી લઈને સામે પાર જવું પડતું હોય છે. કિમ નદીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા પસાર થઇ હતી.



