દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિજ્ઞાન પ્રવાહમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને હવે બહારગામ જવું નહીં પડે
નવનિયુક્ત શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિમણૂંક પત્રો એનાયત કરાયા

ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૫૮ જેટલા શિક્ષકો મળ્યા
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી ૨૦૨૪ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેરીટ પ્રેફરન્સના ધોરણે કુલ ૭૪ ઉમેદવારોને દેવભૂમિ દ્વારકા જિલ્લો ફાળવવામાં આવ્યો હતો. આ ઉમેદવારો પૈકી આજરોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા ખાતે કુલ ૫૮ જેટલા ઉમેદવારોને નિમણુકના આદેશ આપવામાં આવ્યા હતા. નિમણૂક પત્રો આપતા સમયે ફરજ પર હાજર થનાર શિક્ષકોએ ભારતીય સંવિધાન પ્રત્યે નિષ્ઠા રાખવાના શપથગ્રહણ કર્યા હતા.
આ ભરતીના કારણે જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઘણા સમયથી ખાલી રહેલી જગ્યાઓ ભરાઈ જતા દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળા ખાસ કરી ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓમાં નવી ઊર્જાનો સંચાર થયો છે.
ઉપરાંત, જિલ્લાની ત્રણ મોડેલ સ્કૂલોમાં ઉચ્ચ લાયકાત ધરાવતા અને ટાટ પરીક્ષા પાસ કરેલા વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો હાજર થતાં જિલ્લામાં આવેલી ત્રણ સરકારી વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મોડેલ સ્કૂલ વિંજલપર, મોડેલ સ્કૂલ કલ્યાણપુર અને મોડલ સ્કૂલ દ્વારકામાં સંપૂર્ણ સ્ટાફ હાજર થતા વિદ્યાર્થીઓને જિલ્લા બહાર જવું નહીં પડે. તેમજ વધુમાં વધુમાં વિદ્યાર્થીઓને મોડેલ સ્કૂલોમાં
પ્રવેશ મેળવવા માટે વાલીઓને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નમ્ર અનુરોધ કરવામાં આવે છે.






