BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠામાં જન ભાગીદારી થકી ભૂગર્ભ જળ સંવર્ધનનો નવો ઈતિહાસ

7 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

ભારત સરકારના “કેચ ધ રેઇન” અભિયાનને બનાસકાંઠાના ખેડૂતોએ બનાવ્યું સાર્થક બનાસકાંઠામાં રિચાર્જ કુવા મારફત ભૂગર્ભ જળના તળ ઉંચા લાવી શકાશે: વરસાદી પાણી બચાવવા માટે ખેડૂતોને અનુરોધ કરતા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ ભારત સરકારનું કેચ ધ રેઇન અભિયાન મારા જેવા ખેડૂતો માટે આશીર્વાદ સમાન:- ખેડૂત ઈશ્વરભાઈ ચૌધરી મારા ખેતરમાં રિચાર્જ કૂવો બનાવી ૨૪ કલાકમાં ૬ થી ૭ ઈંચ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતાર્યું:- ખેડૂત હાથીભાઇ પટેલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન–૨૦૨૫”ને બનાસકાંઠા વાસીઓએ ખરા અર્થમાં સાર્થક બનાવ્યું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચોમાસા પૂર્વે બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી “જળ સંચય જન ભાગીદારી” અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ શોષ કૂવા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ગત ૭૨ કલાકમાં બનાસકાંઠામાં સાર્વત્રિક સરેરાશ ૪૦ મી.મી વરસાદ નોંધાતા રિચાર્જ શોષ કૂવા મારફત ખેડૂતોએ પોતાના ખેતરમાં જ વરસાદી પાણીને જમીનમાં ઉતારીને આ અભિયાનને સાર્થક બનાવ્યું છે.
જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ તથા ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા માટે પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત બનાસકાંઠામાં રિચાર્જ કુવા અભિયાન ચાલી રહ્યું છે. બનાસ ડેરી અને લોકભાગીદારી થકી ચાલી રહેલા આ અભિયાનમાં જિલ્લાના ૧૪ તાલુકામાં અંદાજે ૨૨ હજાર કરતા વધારે રિચાર્જ શોષ કુવાનું નિર્માણ પૂરું થયું છે.
તેમણે કહ્યું કે, પહેલા ખેડૂતોના ખેતરનું વરસાદી પાણી વહી જતું હતું પરંતુ તાજેતરમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા રિચાર્જ કુવા મારફત ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતર્યું છે. ભવિષ્યમાં આ રિચાર્જ કુવા થકી ભુગર્ભ જળના તળ ઊંચા લાવવા માટે આ અભિયાન મહત્વપૂર્ણ બની રહેશે. તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને અનુરોધ કર્યો કે ખેતરનું પાણી ખેતરમાં રહે તે માટે પોતાના ખેતરમાં ખેત તલાવડી, રિચાર્જ વેલ, રિચાર્જ કુવા સહિતના પ્રયત્નોથી વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરવા જણાવ્યું હતું. સૌ સાથે મળીને બનાસકાંઠામાં ભુગર્ભ જળના તળ ઊંચા લાવવા સહિયારા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામના ખેડૂત ઇશ્વરભાઇ ચૌધરીએ જણાવ્યું કે, તેમણે પોતાના ખેતરમાં ૪×૬ના રિચાર્જ શોષ કુવાનું નિર્માણ કર્યું છે. પહેલા મારા ખેતરમાં ત્રણ અઠવાડિયા સુધી વરસાદી પાણી ભરાઈ રહેતું હતું પણ અહીં ૨૪ કલાકમાં જ વરસાદી પાણી ભૂગર્ભમાં ઊતરી ગયું છે. ભારત સરકારનું કેચ ધ રેઇન અભિયાન અમારા જેવા ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે અને હવે અમારા ભુગર્ભ જળ ઊંચા આવશે જેનાથી ખેડૂતોની સુખાકારીમાં પણ વધારો થશે. તેમણે ભારત સરકાર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ અને બનાસ ડેરીનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેડૂત હાથીભાઇ પટેલએ જણાવ્યું કે, સરકારશ્રીના અભિયાન અંતર્ગત તેમણે તેમના ખેતરમાં ૪×૬નો રિચાર્જ શોષ કુવો બનાવ્યો છે. આ કુવા થકી ચાલુ વર્ષે તેમના ખેતરમાં તમામ વરસાદી પાણી જમીનમાં ઉતર્યું છે. ૨૪ કલાકના સમયમાં ૬ થી ૭ ઈંચ વરસાદ હોવા છતાં ખેતરનું તમામ પાણી ભૂગર્ભમાં ઉતર્યું છે. આ પહેલા મારા ખેતરમાં ૪ થી ૫ દિવસ વરસાદી પાણીનો ભરાવો રહેતો હતો. આ રિચાર્જ શોષ કુવા યોજના થકી આ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને ફાયદો થશે. તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં’ રહે તે મંત્ર સાથે વરસાદી પાણીનો વધુમાં વધુ બચાવ કરી શકાય તથા ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તે હેતુથી બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જળ મંત્રીશ્રી સી.આર.પાટીલ, વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને નેતૃત્વમાં રાજ્ય સરકાર અને બનાસ ડેરી થકી કુલ ૫૦ હજાર રિચાર્જ શોષ કૂવા બનાવવાનું અભિયાનનો પ્રારંભ થયો હતો. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ ૨૦૧૯માં રાષ્ટ્રવ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશભરમાં જનભાગીદારીથી જળસંચયના કામો ઉપાડ્યાં છે.

Back to top button
error: Content is protected !!