ડાંગ જિલ્લાનાં સુબીર ખાતે આવેલ શ્રી ગોવિંદગુરુ સુવિધા સંકુલ, જે ડૉ. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, તેણે 7 જુલાઈ, 2025નાં રોજ તેની સ્થાપનાનાં એક વર્ષ પૂર્ણ કર્યા છે.આ પ્રસંગે સંકુલ દ્વારા ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વિદ્યાર્થીઓ, સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.છેલ્લા એક વર્ષમાં,ગોવિંદગુરુ સુવિધા સંકુલ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને માર્ગદર્શનનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની ગયુ છે.આ સંકુલ દ્વારા GPSC, UPSC, અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે Class 1, Class 2, અને Class 3 માટેના તમામ અગત્યના પુસ્તકો ગુજરાતના ટોચના પ્રકાશનોથી વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શૈક્ષણિક સામગ્રી અને યોગ્ય માર્ગદર્શન મફતમાં પૂરું પાડવાનો છે.આ ઉપરાંત, સંકુલમાં હાલમાં એક કેરિયર માર્ગદર્શન અને સહાયતા કેન્દ્ર પણ કાર્યરત છે. આ કેન્દ્ર દ્વારા વિવિધ સરકારી યોજનાઓના ફોર્મ ભરવાની મફત સેવા પૂરી પાડવામાં આવે છે, જેનો લાભ વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો લઈ રહ્યા છે.પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે, ગુજરાત પ્રાંતના સેવા પ્રમુખ જગદીશભાઈ ચાવડાએ સંસ્થાના પ્રયાસોને બિરદાવતા જણાવ્યું હતું કે, “આવા જ્ઞાનલક્ષી પ્રયાસો દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત પાયો તૈયાર કરે છે. ગોવિંદગુરુ સુવિધા સંકુલ સમાન સંસ્થાઓ દ્વારા સમાજના અંતિમ વ્યક્તિ સુધી શિક્ષણની અજવાળીને પહોંચાડવાનો પ્રયત્ન ખરેખર પ્રશંસનીય છે.“આ પ્રસંગે ટ્રસ્ટી છબીલદાસ વ્યવહાર પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના કાર્યની પ્રશંસા કરી હતી.શ્રી ગોવિંદગુરુ સુવિધા સંકુલના પ્રથમ વર્ષની સફળતા તેની સેવા, શિક્ષણ અને સંસ્કાર પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ દ્રઢ બનાવે છે. આગામી વર્ષોમાં આ કાર્ય વધુ ગતિ અને વિસ્તાર પામે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે..