
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારા ખાતે રાજ્યનાં પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો આંધણ કરી મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.જેમાં સાપુતારાનાં હાર્દ સમા બોટિંગ પાસે આવેલ પાર્કિંગ એરિયામાં વિશાળ ડોમ બનાવવામાં આવતા બોટિંગ કરવા આવતા પ્રવાસીઓને વાહનો પાર્ક કરવાની જગ્યા ન હોય ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ખાસકરી અબાલ વૃદ્ધ પ્રવાસીઓને ખુબ દૂર પગપાળા આવવુ પડતુ હોય પ્રવાસીઓ પાર્કિંગનાં અભાવે બોટિંગ કે મોન્સૂન ફેસ્ટિવલનો રંગારંગ કાર્યક્રમો માણી શકતા નથી, જેથી સરકારનાં કરોડો રૂપિયાનાં આંધણ બાદ પણ પ્રવાસીઓને આકર્ષવાનાં પ્રયાસો નિર્થક નીવડે છે.તેવા સંજોગોમાં સ્થાનિક લારી ગલ્લા અને વેપારીઓ મોન્સૂન ફેસ્ટિવલ બોટિંગ પાર્કિંગની જગ્યાએ અન્ય સ્થળે આયોજન કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. રાજ્યના પ્રવાસન વિભાગ બોટિંગ જેવા વિકાસ થયેલ વિસ્તારને બદલે વિકાસથી વંચિત રહેલ સ્વામિનારાયણ મંદિર વિસ્તાર કે જ્યાં પાર્કિંગની પણ વિશાળ જગ્યા અને કાર્યક્રમ કરવા પૂરતી જગ્યા હોય પ્રવાસીઓને સ્વામિનારાયણ મંદિરની સામે મેઘ મલ્હારનું આયોજન કરવામાં આવે તો ટેબલ પોઇન્ટ તરફ જતા પ્રવાસીઓ કાર્યક્રમ સારી રીતે માણી શકે તેમજ એક નવા વિસ્તારનો પણ વિકાસને વેગ મળે તેમ છે. ત્યારે પ્રવાસન વિભાગ અને સ્થાનિક નોટીફાઇડ તંત્ર સંકલન કરી મેઘ મલ્હાર ફેસ્ટિવલને બોટિંગ પાર્કિંગ સિવાય અન્યત્ર ખસેડી પ્રવાસીઓને પડતી મુશ્કેલી નિવારવા યોગ્ય પગલાં ભરે તે જરૂરી છે..





