
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતનાં વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે.આ ઘટનાએ રાજ્યભરનાં જૂના પુલોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.આ સંદર્ભે, ખાસ કરીને 1913માં બનેલી 63 કિલોમીટર લાંબી બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન લાઇન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે,જેના પાટા અત્યંત જૂના અને જોખમી જણાઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારે રાજ્ય અને નેશનલ હાઇવે પરના તમામ પુલોનું નિરીક્ષણ શરૂ કર્યું છે.જોકે માત્ર રોડ બ્રિજ જ નહીં, ટ્રેનમાં મુસાફરી કરતા લોકોના જીવ પણ એટલા જ કિંમતી છે.ડાંગ જિલ્લાનાં વઘઇનાં ડુંગરડા નજીક અંબિકા નદી પર આવેલો 100 વર્ષ જૂનો રેલવે બ્રિજ પણ તાત્કાલિક રિપેર કરવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે.આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) પંકજ સિંઘે ગત 7 જુલાઈએ દક્ષિણ ગુજરાતની ઐતિહાસિક બીલીમોરા-વઘઈ નેરોગેજ લાઇનનું નિરીક્ષણ કર્યું હતુ.તેમણે રોજબરોજની ઓપરેશનલ પ્રેક્ટિસની સમીક્ષા કરી, ટ્રેકની સ્થિતિ અને જાળવણીના ધોરણોનું મૂલ્યાંકન કર્યું અને સુરક્ષા પ્રોટોકોલ પર વિશેષ ભાર મૂકવાની સૂચનાઓ આપી હતી.ચોમાસાને ધ્યાનમાં રાખીને અંબિકા નદી પરના વર્ષો જૂના રેલ બ્રિજના થાંભલાઓને મજબૂત કરવામાં આવ્યા છે.જોકે આ બ્રિજ પર ટ્રેનને 10 કિલોમીટર પ્રતિ કલાકની ધીમી ગતિએ ચલાવવાની સૂચના આપવામાં આવી છે,જે તેની નબળી સ્થિતિનો સંકેત આપે છે.રેલવે બ્રિજ પરના ટ્રેકને પકડી રાખતા લાકડાના સ્લીપર એટલી હદે સડી ગયા છે કે તેમાંથી ખીલા બહાર નીકળી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કેટલીક જગ્યાએ રબરના પેકિંગ મૂકીને કામ ચલાવવામાં આવી રહ્યું છે,જે એક મોટી ચિંતાનો વિષય છે.






