વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે વલસાડ જિલ્લા માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા પુલોનું તાત્કાલિક નિરિક્ષણ કાર્ય હાથ ધરાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ,તા.૧૧ જુલાઈ- તાજેતરમાં વડોદરા ખાતે ગંભીરા બ્રિજ દુર્ઘટનાને ધ્યાનમાં રાખી લોકોની સુરક્ષા અને વાહન વ્યહવારની સુવિધા માટે વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ નદીઓ, નાળાઓ અને ચેકડેમ ઉપર આવેલા નાના મોટા પુલોનું તાત્કાલિક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લા માર્ગ અને મકાન (પંચાયત) વિભાગની ઈજનેરિંગ ટીમ દ્વારા પુલની સ્થિરતા, સપોર્ટિંગ સ્ટ્રક્ચર, પિયર્સ, ક્રેક ચેકિંગ, જમીન ધોવાણ તથા પાણીની પસાર થતી જગ્યા (ક્લિઅરન્સ)ના આધારે ફિઝિકલ ચકાસણી કરવામાં આવી હતી. જેના આધારે દરેક પુલ માટે વિશિષ્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં પુલની હાલની સ્થિતિ, જોખમવાળા પોઈન્ટ, તાત્કાલિક જરૂરી મરામત અને ભવિષ્યના જાળવણી કાર્યોનો સમાવેશ કરાયો છે. જ્યાં જોખમ જણાય ત્યાં તાત્કાલિક મરામત, પેચ વર્ક, કોંક્રિટ, બેરિકેટિંગ અને ચેતવણી બોર્ડ લગાવવાનું કાર્ય હાથ ધરવામાં આવશે. રિપોર્ટના આધારે જરૂર જણાય તો આગામી સમયમાં પુનઃમજબૂતીકરણ (strengthening), સ્ટ્રક્ચરલ રિપેર અને ટેક્નિકલ મોનિટરિંગની યોજના અમલમાં મૂકવામાં આવશે. મોન્સૂન દરમ્યાન અને બાદમાં અકસ્માત ટાળવા માટે વિભાગ દ્વરા જવાબદારીપૂર્વક કામગીરી આગળ વધારવામાં આવી રહી છે, જેથી નાગરિકો માટે સુરક્ષિત, વ્યવસ્થિત અને વિશ્વસનીય યાત્રા સુનિશ્ચિત થાય એવુ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગની અખબારી યાદીમાં જણાવાયુ છે.




