શહેરા વન વિભાગ દ્વારા પાનમ ડેમ વિસ્તારમાં ‘ગ્રીન અરવલ્લી’ અભિયાન અંતર્ગત સીડ બોલનું વાવેતર અને વૃક્ષારોપણ કરાયું

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાનમ ડેમ ખાતે શહેરા વન વિભાગ દ્વારા પાનમ ડેમ વિસ્તારમાં ‘ગ્રીન અરવલ્લી’ અભિયાન અંતર્ગત સીડ બોલનું વાવેતર અને વૃક્ષારોપણ કરાયું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 5 જૂન, 2025 ના રોજ શરૂ કરાયેલા ‘ગ્રીન અરવલ્લી’ અભિયાન અંતર્ગત, ગોધરા વન વિભાગ દ્વારા પાનમ ડેમ વિસ્તારમાં ડ્રોન દ્વારા સીડ બોલ નાખવાના કાર્યક્રમ અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘એક પેડ માં કે નામ 2.0’ કાર્યક્રમ પણ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કાર્યક્રમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, પ્રજાજનો અને વન વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયો હતો. સૌએ ઉત્સાહભેર સફાઈ અભિયાન અને સીડ બોલ વિખેરવાના ઉમદા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં વિધાન સભાના ઉપાધ્યાક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આગામી દિવસોમાં 700 કિલોમીટર લાંબી અને સરેરાશ 5 કિલોમીટર પહોળી અરવલ્લી પર્વતમાળાને આવા કાર્યક્રમો દ્વારા હરિયાળી બનાવી, તેને લોકઉપયોગી બનાવવા સૂચન કર્યું હતું. તેમણે અરવલ્લીને “આપણી ધરોહર સમાન” ગણાવી તેના પુનર્વનીકરણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ અભિયાનનો મુખ્ય હેતુ દુનિયાની સૌથી જૂની પર્વતમાળા અરવલ્લીને ફરીથી હરિયાળી બનાવવાનો અને પર્યાવરણ સંતુલન જાળવવાનો છે. ગોધરા વન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ‘ગ્રીન અરવલ્લી’ અભિયાનને વેગ આપશે અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદરૂપ થશે.






