ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસે જિલ્લામાં માર્ગ પર પડેલા ખાડાઓ અને તૂટી ગયેલા માર્ગ-રસ્તાઓ મામલે માર્ગ મકાન વિભાગની કચેરી ખાતે તાળાબંધી કરવા પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.જોકે માર્ગ અને મકાન વિભાગ કચેરીના અધિકારી સાત દિવસમાં તપાસ કરવાની બાહેધરી આપી હતી.


સમીર પટેલ, ભરૂચ
સમગ્ર ભરૂચ જિલ્લામાં માર્ગો પર પડેલાઓ અને નવા બનતા માર્ગો પર કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારના કારણે માર્ગો વહેલી તકે તૂટી જતા હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે.જેના કારણે જનતાને જર્જરીત રસ્તાઓ પર ચાલવાની ફરજ પડી રહી છે ગંભીર અકસ્માતો થઇ રહ્યાં છે જેના કારણે સમગ્ર જિલ્લાની પ્રજાને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.આ મામલે ભરૂચ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ અનેક વખતે મૌખિક અને લેખિતમાં રજૂઆતો કરી હોવા છતાંય કોઈ કામગીરી નહી થતી હોવાના આક્ષેપો સાથે આજે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શેરખાન પઠાણ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાની આગેવાનીમાં માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે તાળાબંધી સાથે ઉગ્ર રજૂઆતનો કાર્યક્રમ યોજ્યો હતો.
જોકે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.ભરૂચ જિલ્લાના આગેવાન શેરખાન પઠાણે જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાકટર વચ્ચે ભાગબટાઇ ચાલતી હોવાના કારણે હલકી કક્ષાના ભ્રષ્ટાચારી રોડ તૈયાર થતા હોવાના આક્ષેપો કર્યા હતા.
જોકે આ અંગે માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર રોનક શાહે જણાવ્યું હતું કે,જિલ્લામાં સતત માર્ગોની કામગીરી ચાલતી હોય છે અને તેનું નિરીક્ષણ સાથે તેની તપાસ ટીમ દ્વારા પગલાં લેવાતા હોય છે. કોન્ટ્રાકટરને ટેન્ડર પ્રક્રિયા મુજબ રકમ ચૂકવવામાં આવતી હોય છે.હાલમાં કોંગ્રેસ તરફથી રજૂઆતો મળી છે જે અંગે તપાસ કરી સાત દિવસમાં યોગ્ય કામગીરીની બાહેંધરી આપવામાં આવી હતી.




