માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા મહેસાણા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત બનેલ રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું.
એલ.ડી.ચૌધરીએ જિલ્લામાં ચાલતા રસ્તાના સમારકામની સ્થળ મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ખૂબ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશા – દર્શનમાં માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં રોડ- રસ્તા રીપેર, ચકાસણી તથા અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીઓ રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જે અંતર્ગત મહેસાણા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત બનેલ રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહેસાણા માર્ગ અને મકાન વર્તુળના અધિક્ષક ઇજનેર એલ. ડી. ચૌધરીએ જિલ્લામાં ચાલતા રસ્તાના સમારકામની સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મહેસાણા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી વિપુલ વાઘેલા અને નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી કે.કે.પટેલ હાજર રહ્યા હતા. મુલાકાત સ્થળ પર અધિક્ષક ઇજનેર એ મરામત કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને રસ્તા મરામતની કામગીરી સત્વરે પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચના આપી હતા,
મહેસાણા માર્ગ અને મકાન વર્તુળના અધિક્ષક ઇજનેર એલ.ડી.ચૌધરી જણાવે છે કે રાજ્ય સરકાર દ્વારા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓને ત્વરિત સમારકામ કરવાની સૂચના આપવામાં આવી છે. આ સૂચનાને ભાગરૂપે વરસાદ બંધ થતાં માર્ગ અને મકાન વર્તુળ હસ્તકના તમામ જિલ્લાઓમાં મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ મરામતની કામગીરી અન્વયે મહેસાણા વર્તુળ હસ્તકના મહેસાણા વિભાગ દ્વારા અલગ અલગ રોડ રસ્તા પર મરામતની કામગીરી કરવામાં આવી રહી છે જેના નિરીક્ષણ અર્થે આજે સ્થળ મુલાકાત લીધી છે અને આ મરામતની કામગીરી સત્વરે પૂર્ણ થાય અને યોગ્ય તેમજ ગુણવત્તા સાથે થાય એ પ્રકારની કામગીરી કરવા સંબંધિતોને જરૂરી સૂચના આપવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે આજરોજ મહેસાણા વિભાગ દ્વારા ઊંઝા – પાટણ રોડ પર અને મહેસાણા – મોઢેરા રોડ પર સમારકામ કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરીનું નિરીક્ષણ કરી આ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ પૂર્ણ થાય તે માટે સંબંધિતોને જરૂરી સૂચના આપી છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય રસ્તા ઉપર પણ સમારકામ કામગીરી ચાલી રહી છે જે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.