કાંકણપુર આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં સિક્યુરિટી માર્કેટ પર બે-દિવસીય વર્કશોપ સંપન્ન થયો

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા તાલુકાની કાંકણપુર સ્થિત શ્રી જે.એલ.કે. કોટેચા આર્ટસ અને શ્રીમતી એસ.એચ. ગાર્ડી કોમર્સ કોલેજ ખાતે 14 થી 15 જુલાઈ, 2025 દરમિયાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિક્યુરિટી માર્કેટ (NISM), મુંબઈ અને સેબી (SEBI) દ્વારા સંયુક્ત રીતે બે-દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શેરબજાર અને રોકાણના વિવિધ પાસાઓથી માહિતગાર કરવાનો હતો. સેબીના સ્માર્ટ ટ્રેનર મુસ્તાક ફારૂક શેખ દ્વારા વિદ્યાર્થીઓને શેરબજાર, મૂડી બજાર, નાણા બજાર, પ્રાથમિક અને દ્વિતીય બજાર, મ્યુચ્યુઅલ ફંડ, રોકાણના વિવિધ વિકલ્પો, ડિમેટ એકાઉન્ટ, બ્લુ ચીપ કંપનીઓ, બી ગ્રુપ કંપનીઓ, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) અને પોન્ઝી સ્કીમ જેવા મહત્ત્વના વિષયો પર સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના મુખ્ય સંયોજક કોમર્સ વિભાગના વડા ડૉ.મહેશભાઈ રાઠવા હતા, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સહ-સંયોજક ડૉ. નીતિનભાઈ ધમસાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. જગદીશ પી. પટેલે પણ વિદ્યાર્થીઓને બેન્કિંગ અને રોકાણ સંબંધિત મહત્ત્વપૂર્ણ રજૂઆત કરી હતી.
આ સફળ કાર્યક્રમના આયોજન બદલ સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મૌલિનભાઈ શાહ અને કોલેજના આચાર્ય ડૉ જગદીશ.પી. પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે ડૉ.નીતિનભાઈ ધમસાણીયાએ આભાર વિધિ કરી હતી.





