Rajkot: રાજકોટમાં શાળાકીય રમતોત્સવના આયોજન માટે બેઠક યોજાઈ

તા.૧૬/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
૨૦ જુલાઈથી ૩૧ ઓગસ્ટ દરમિયાન તાલુકા અને જિલ્લા કક્ષાએ ૪૫ રમતોની સ્પર્ધા યોજાશે
Rajkot: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત અને રાજકોટ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી સંચાલિત, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજકોટ શહેર-ગ્રામ્ય શાળાકીય રમતોત્સવ ૨૦૨૫-‘૨૬નું આયોજન કરાયું છે. રાજકોટ શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય રમતોત્સવના આયોજન માટે રમતગમત અધિકારીઓ સાથે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની શાળાના પ્રતિનિધિઓની બેઠકો યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા રમતગમત અધિકારી શ્રી વી. પી. જાડેજાએ તાલુકાકક્ષા અને જિલ્લાકક્ષાએ આયોજિત કુલ ૪૫ રમતોની સ્પર્ધાના સમગ્ર આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ શાળાકીય રમતોત્સવ આગામી તા. ૨૦ જુલાઈથી તા. ૩૧ ઓગસ્ટ દરમિયાન યોજવામાં આવશે. જેમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓએ ભાગ લેવા અનુરોધ છે તથા જરૂર પડ્યે રમત પ્રશિક્ષણ કેન્દ્રનો સંપર્ક કરી શકાશે.
આ ઉપરાંત, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમાબેન મદ્રાએ જણાવ્યું હતું કે શાળાકીય રમતોત્સવ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા (અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા) અંતર્ગત યોજવામાં આવે છે. જેમાં અંડર – ૧૪, ૧૭, ૧૯ વયજૂથ માટે એથ્લેટીક્સ, કબડ્ડી, ખો-ખો અને વોલીબોલ સ્પર્ધાઓ તાલુકાકક્ષાએ, જ્યારે એ સિવાયની સ્પર્ધાઓ સીધી જિલ્લાકક્ષાએ વિવિધ સ્થળો ખાતે યોજાશે. તેમણે સ્પર્ધાના નિયમો વિશે ઉપસ્થિતોને જણાવ્યું હતું.






