મહિસાગર જિલ્લામાં પ્રથમ વખત આદિવાસી પરંપરાગત ભોજન મહોત્સવની ભવ્ય ઉજવણી

મહિસાગર જિલ્લામાં પ્રથમ વખત આદિવાસી પરંપરાગત ભોજન મહોત્સવની ભવ્ય ઉજવણી
*****
અમીન કોઠારી મહીસાગર…
જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થના હસ્તે વિવિધ વાનગીઓ તૈયાર કરીને લાવનાર તમામ સહભાગીઓને શુભેચ્છા પત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા.
*****
કડાણા તાલુકાનાં રેલવા ગામે યોજાયેલા આ મહોત્સવમાં સંતરામપુર અને કડાણા તાલુકાના કુલ 81 ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર સહભાગી થયા
*****

આ ભોજન મહોત્સવનો મુખ્ય હેતુ કોમન્સ (સામૂહિક સંસાધન)માંથી મળતા ખોરાક, વનસ્પતિઓ, વૃક્ષો અને ઔષધિઓના સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન આદિવાસી વિસ્તારોમાં જંગલમાંથી મળતી વિવિધ ભોજન સંબંધિત વસ્તુઓ, લુપ્ત થતા પરંપરાગત ભોજન, પશુ-પક્ષીઓ, પ્રાણીઓ અને વૃક્ષો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, વન અને પર્યાવરણની લોકોના જીવન પર થતી અસરોને વધુ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભભોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર દ્વારા ટેલિફોનિક શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો, જેણે આ મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
આ મહોત્સવને ખરા અર્થમાં “સ્વાદોત્સવ” તરીકે ઉજવવામાં આવ્યો હતો. સમુદાયના લોકો દ્વારા તેમની જૂની સંસ્કૃતિ, ખાણી-પીણી અને પરંપરાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ મહોત્સવમાં વિવિધ ગામોના આગેવાનો અને લોકો દ્વારા ૬૫ પ્રકારની પરંપરાગત વાનગીઓ બનાવીને લાવવામાં આવી હતી અને ઉપસ્થિત સૌ કોઈ સમક્ષ જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વાનગીઓમાં સફેદ મુસળીની ભાજી, કંટોલાનું શાક, તાંદળાની ભાજી, મહુડાના લાડુ, પુવાડની ભાજી, કોઠમડાનું શાક જેવી અનેક અનોખી અને પૌષ્ટિક વાનગીઓનો સમાવેશ થતો હતો. કાર્યક્રમમાં વિવિધ વાનગીઓ તૈયાર કરીને લાવનાર તમામ સહભાગીઓને શુભેચ્છા પત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.




