પ્રાપ્ત માહિતી અનુસાર,16મી જુલાઈ, 2025 ના રોજ રાત્રિના સમયે ચિંચવીહિર ગામમાં સીતાબેન કિરણભાઈ ગાવીતને પ્રસુતિની પીડા ઉપડતા, આશા વર્કર અરુણાબેને તાત્કાલિક 108 નંબર પર ફોન કર્યો હતો.અહી ગારખડી 108 ને રાત્રે 10:54 કલાકે કોલ મળતા જ, એમ્બ્યુલન્સ ગણતરીના સમયમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) મિતલબેન ગવળી દ્વારા પ્રાથમિક તપાસ અને સોનોગ્રાફી રિપોર્ટ જોતા જાણવા મળ્યું કે માતાના ગર્ભમાં બે બાળકો છે. માતાને પ્રસુતિની અસહ્ય પીડા હોવાથી, સગર્ભા માતાને નજીકની સુબીર CHC (સમુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર) લઈ જવા માટે ટીમ રવાના થઈ.રસ્તામાં શિવબારા નજીક સગર્ભા માતાને દુખાવો વધુ ઉપડતા, EMT મિતલબેન ગવળીએ સમયસૂચકતા દાખવી હતી. એમ્બ્યુલન્સના પાયલોટ દીપકભાઈ સૂર્યવંશીએ સુરક્ષિત જગ્યાએ એમ્બ્યુલન્સ ઊભી રાખી. EMT મિતલબેન ગવળી અને પાયલોટ દીપકભાઈ સૂર્યવંશીએ એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવાનો નિર્ણય લીધો.અહી પ્રથમ બાળક ઊંધુ હોવા છતા, તેમને આપવામાં આવેલી તાલીમની યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરીને પહેલા બાળકની સફળતાપૂર્વક ડિલિવરી કરાવવામાં આવી. ત્યારબાદ, બીજા બાળકની સામાન્ય ડિલિવરી પણ સુરક્ષિત રીતે કરી હતી.અમદાવાદ કોલ સેન્ટરમાં હાજર ડો. મહેશની સલાહ મુજબ, જરૂરી ઇન્જેક્શન આપીને બંને બાળકો અને માતાને સુરક્ષિત રીતે સુબીર CHC માં દાખલ કરવામાં આવ્યા હતા.આ કપરા સમયે 108 ની ટીમે દાખવેલી સરાહનીય કામગીરી બદલ દર્દીના સગા-સંબંધીઓએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.ડાંગ 108 એમ્બ્યુલન્સ સેવા ફરી એકવાર જીવન બચાવવામાં અને કટોકટીમાં તાત્કાલિક મદદ પૂરી પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.