Rajkot: રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ

તા.૧૯/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જનપ્રતિનિધીઓએ રજૂ કરેલા નાગરિકોના પ્રશ્નો પરત્વે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવી વહેલાસર નિકાલ લાવવા સૂચના અપાઈ
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરીને, તેનો સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્લોટ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા તેમજ સરકારી તંત્ર દ્વારા અસરકારક કામગીરી માટે ઉપયોગી સૂચનો કર્યા હતા. સાંસદ શ્રી રામભાઈ મોકરિયાએ મોરબી રોડ પાસેના સર્વિસ રોડ, કુવાડવા રોડ, નેશનલ હાઈવેના કામો સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા.
ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ વીજ પૂરવઠાને લગતા તો ધારાસભ્ય ડૉ. દર્શિતાબહેન શાહે શહેરમાં અશાંતધારા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયાએ ઉપલેટા-ધોરાજી પંથકમાં જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો હોવાથી ડાઈવર્ઝન અંગે પડતી મુશ્કેલીઓની વિગતો સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.
આ બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો પરત્વે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવીને તેનો સમયમર્યાદમાં નિકાલ લાવવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.
આ તકે જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશે સર્વ અધિકારીશ્રીઓને જન સુખાકારીના અભિગમ સાથે કામગીરી કરવાની પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, દરેક વિભાગે નાગરિકોના કલ્યાણને કેન્દ્રમાં રાખીને પ્રો-એક્ટિવ કામગીરી કરવી જોઈએ. ચોમાસાની સ્થિતિને ધ્યાને રાખીને રોડ રસ્તા રિપેરિંગ, જાન માલને નુકસાન ન થાય તેવા આગોતરા આયોજન સાથે જર્જરીત સરકારી અને ખાનગી મકાનોની તપાસ અને જરૂરી લાગતી કાર્યવાહી હાથ ધરવી જોઈએ. તેમજ ફરિયાદ સંકલન અને સ્વાગતના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તે માટેના નક્કર પ્રયાસો કરવા ઉપસ્થિત સર્વે અધિકારીશ્રીઓને ભારપૂર્વક સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબહેન રંગાણી, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રીમતી ભાનુબહેન બાબરીયા, જિલ્લા પોલીસવડા શ્રી હિમકરસિંહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, નાયબ પોલીસ કમિશનર-ટ્રાફિક શ્રી પૂજા યાદવ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે. ગૌતમ, વિવિધ ઉચ્ચ અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.







