Rajkot: કપાસમાં ચૂસિયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે વાવણી બાદ લેવાના પગલાં

તા.૧૯/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા કપાસમાં ચૂસિયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે વાવણી બાદ લેવાના પગલાં સૂચવવામાં આવ્યા છે.
શેઢાપાળા ઉપર નિંદામણો ખાસ કરીને ગાડર / કાંકસી / જંગલી ભીંડા / કોંગ્રેસ ઘાસ / જંગલી જાસૂદ વગેરે પ્રકારના નિંદામણોનો છોડ ઉખાડીને નાશ કરવો જોઈએ.
મોલોમશી તથા તડતડીયાનાં જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાયસોપા)ની ૦૨થી ૦૩ દિવસની ઇયળો હેકટરે ૧૦,૦૦૦ની સંખ્યામાં ૧૫ દિવસના ગાળે બે વખત છોડવી જોઈએ.
લીમડાનાં મીંજનું પ%નું દ્રાવણ અથવા એઝાડીરેકટીન જેવી બિનરાસાયણિક તત્વ ધરાવતી ૧૫૦૦, ૩૦૦૦ કે ૧૦,૦૦૦ પી.પી.એમ. અનુક્રમે ૫ લી., ૨.૫ લી. કે ૭૫૦ મી.લી. પ્રતિ હેકટરે ઉપયોગ કરવો જોઈએ.
મોલો મશી, સફેદ માખીની મોજણી અને નિયંત્રણ માટે પીળા ચીકણાં પિંજરનો ઉપયોગ કરવો જોઈએ.
રાતા ચૂસિયાં અને રૂપલાંના નિયંત્રણ માટે કેરોસીનવાળા પાણીમાં અર્ધ ખુલેલા કે આખા ખુલેલા જીંડવાઓ ખંખેરી રૂપલાં ભેગા કરી નાશ કરવો અથવા છોડ હલાવી અને બે છેડેથી દોરડું પકડી હારમાં ઝડપથી ચાલવાથી આ રૂપલાઓને નીચે પાડી નાશ કરવો જોઈએ.
પ્રાકૃતિક કૃષિમાં ચૂસિયા જીવાતોના નિયંત્રણ માટે ૨૦૦ લિટર નિમાસ્ત્ર (પાણી ભેળવ્યા વિના) એક એકર મુજબ છાંટવું જોઈએ. બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક જેવી બિનરસાયણિક જંતુનાશકો ૬ થી ૮ લીટર માત્રામાં ૨૦૦ લિટર પાણીમાં ભેળવી એક એકર મુજબ છંટકાવ કરવો જોઈએ.
ચૂસિયા જીવાતોના જૈવિક નિયંત્રણ માટે સુક્ષ્મ જૈવિક નિયંત્રકો જેવા કે, વર્ટીસીલીયમ લેકાની અથવા બુવેરીયા બાસીયાના ૫૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં પાકની શરૂઆતની અવસ્થાએ વાતાવરણમાં ભેજ હોય ત્યારે છંટકાવ કરવો જોઈએ.
સફેદ માખીના ઉપદ્રવની શરૂઆત જણાયેથી તેના નિયંત્રણ માટે એઝાડીરેકટીન ૧૫૦૦ પી.પી.એમ. ૫૦ મી.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ.
ટી મોસ્કીટો બગથી થયેલા નુક્શાનનો ભાગ તોડીને નાશ કરવો તથા ખેતરની અંદર છાંયડો ન પડે તેની કાળજી રાખવી જોઈએ. જીવાતની શરૂઆત જણાય તે વખતે એઝાડીરેકટીન ૧૫૦૦ પી.પી.એમ. ૫૦ મી.લી. અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ.
કપાસના પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો જોઈએ.
– વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલા ડોઝ અને જે તે રોગ / જીવાત માટેની દવા છે, તે ભલામણ મુજબ અનુસરવું જોઈએ.
આ અંગે વધુ જાણકારી નજીકના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / ખેતી અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી / નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) / નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવો જોઈએ.
(માહિતી સોર્સ: મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સીટી, જમીનજન્ય રોગ-જીવાતોનું સંકલિત નિયંત્રણ માહિતી પુસ્તિકા અને પ્રાકૃતિક કૃષિ માહિતી પુસ્તિકા)



