પોલીસ કાર્યવાહી:ભરૂચમાં ટ્રાફિકને અડચણરૂપ 40 લારીઓ પોલીસે જપ્ત કરી

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના પાંચબત્તીથી રેલવે સ્ટેશન સુધીના 2 કિમીના માર્ગ પર ટ્રાફિકજામનું કારણ બનેલી 40 જેટલી લારીઓ એ ડિવિઝન પોલીસે જપ્ત કરી લીધી છે. આ તમામ સામે બીએનએસની કલમ 283 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દહેગામ એકસપ્રેસ વે પરથી આવતાં વાહનોના કારણે ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યા વકરી છે. ખાસ કરીને સાંજના સમયે રેલવે સ્ટેશનથી પાંચબત્તી સુધીના 2 કિમીના માર્ગ પર ટ્રાફિકજામ થઇ જતો હોય છે.
મુખ્યમાર્ગ પર વકરતી જતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એ ડિવિઝન પોલીસે શનિવારે લારીધારકો સામે લાલ આંખ કરી હતી. મુખ્ય માર્ગો પર ઉભી રહેતી લારીઓ પર ખરીદી માટે ઉભા રહેતાં લોકો તેમના વાહનો પણ ગમે ત્યાં ઉભા કરી દેતાં હોવાથી રોડ સાંકડો બની જાય છે.
સાંજના સમયે સ્ટેશન રોડ પર ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે પોલીસે ટ્રાફિકમાં અડચણરૂપ બનતી 40 જેટલી લારીઓ સામે કાર્યવાહી કરી હતી. આ તમામ લારીઓને સરઘસ સ્વરૂપે સોનેરી મહેલ ખાતે આવેલાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવી હતી. આ તમામ સામે બીએનએસની કલમ 283 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.




