ભરૂચના ઝનોરમાં આવેલી એનટીપીસી કંપનીમાં કોન્ટ્રાકટમાં કામ કરતા કામદારોનો મેનેજમેન્ટ વચ્ચે અનેક પ્રશ્નોને લઇને વિરોધ



સમીર પટેલ, ભરૂચ
ભરૂચના ઝનોરમાં આવેલી એનટીપીસી કંપનીમાં કોન્ટ્રાકટમાં કામ કરતા કામદારોનો મેનેજમેન્ટ વચ્ચે અનેક પ્રશ્નોને લઇને વિરોધ જોવા મળ્યો હતો.આ મામલે આજ રોજ 300 થી વધુ કામદારોએ ભારતીય મજદૂર સંઘ (BMS) ના નેતૃત્વમાં કંપનીના ગેટ પર હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.
આ કંપનીમાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં કામગીરી કરતા કામદારોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે,કંપનીમાં કામદારોનું આર્થિક અને માનસિક શોષણ થઇ રહ્યું છે. ઑટો બેઝના 20 વર્ષથી ફરજ બજાવતા કર્મચારીને બે મહિનાથી કોઈ કારણ વિના નોકરીમાંથી દૂર કરી દેવાયા છે.કંપની મેનેજમેન્ટ પગાર ઘટાડવાના કાવતરામાં છે.વધુમાં કંપનીમાં કામદારેને ઓવરટાઈમ,વીકલી ઓફ, GPH સહિતની હકની સુવિધાઓ આપવામાં આવતી નથી. ડ્રાઈવરોને પણ 24 કલાક ફરજ બાદ આરામ મળતો નથી.લેબર એક્ટના ખુલ્લેઆમ ઉલ્લંઘનનો કામદારોએ આક્ષેપો કર્યા છે.
આ અંગે BMS સંઘે ચેતવણી આપી છે કે,જો તાત્કાલિક કામદારોની માંગણીઓ નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન થશે. તો બીજી બાજુ કંપની મેનેજમેન્ટે આ કામબંધીને ગેરકાયદેસર ગણાવી છે. મેનેજમેન્ટના જણાવ્યા મુજબ આ મામલો રિઝનલ લેબર કમિશનર (RLC) કચેરીમાં પેન્ડિંગ છે અને 25 જુલાઈએ સુનાવણી થવાની છે. 16 જુલાઈએ પણ સુનાવણી થઇ હતી જ્યાંથી RLC કચેરીએ સૂચના આપી છે કે 25 જુલાઈ પહેલા કોઈ પણ પ્રકારની હડતાળ કે કામબંધી નહીં કરવામાં આવે. કંપનીનું કહેવું છે કે જે એલાઉન્સ અગાઉ મળતાં હતા તે કોન્ટ્રાક્ટર દ્વારા અપાતાં હતા, કંપનીનો તેમાં કોઈ હાથ નથી. મેનેજમેન્ટે આ સમગ્ર મામલે RLC કચેરીને માહિતી આપી છે. પરંતુ આંદોલન અને હડતાળને કારણે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ તીવ્ર બને તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.હાલમાં તો કામદારો કંપની મેનેજમેન્ટ સામે બાયો ચઢાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.




