Rajkot: રાજકોટ જિલ્લામાં સાત માસમાં ૩૩ હજારથી વધુ પશુઓને અપાઈ લમ્પી રોગની રસી

તા.૨૨/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
હાલમાં તાલુકા કક્ષાએ લમ્પીની રસીના ૧૮ હજારથી વધુ ડોઝ ઉપલબ્ધ
Rajkot: રાજકોટ જિલ્લામાં પાલતુ પશુઓને ચોમાસામાં થતા સંભવિત અન્ય રોગો તથા લમ્પી રોગથી બચાવવા પશુપાલન ખાતા દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૫માં જાન્યુઆરીથી લઈને ૧૯ જુલાઈ સુધીમાં ૩૩,૩૧૬ પશુઓને લમ્પીની રસી આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડૉ. કે.આર. કટારાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ૫૯૭ ગામોમાં ૩,૩૫,૫૪૭ ગૌ પશુધન નોંધાયેલું છે. પશુઓને ચોમાસાજન્ય રોગચાળો તેમજ લમ્પી રોગથી બચાવવા માટે રસીકરણ ડ્રાઈવ કરવામાં આવે છે. જાન્યુઆરીથી લઈને ૧૯ જુલાઈ સુધીમાં જિલ્લામાં ૩૩,૩૧૬ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે, એપ્રિલથી ૧૯ જુલાઈ સુધીમાં જિલ્લામાં ત્રણ ગામમાં ૪૭ પશુઓને લમ્પી રોગની અસર થઈ હતી. જો કે પશુપાલન ખાતાની ટીમ દ્વારા સઘન સારવાર અને રસીકરણથી આ પશુઓ રોગમુક્ત થયા છે. લમ્પીથી આ વર્ષે રાજકોટમાં એક પણ પશુનું મૃત્યુ નથી થયું. હાલની સ્થિતિએ તાલુકા કક્ષાએ લમ્પી સ્કીન ડિસીઝની રસીના ૧૮,૦૫૦ ડોઝ ઉપલબ્ધ છે.
તેમણે ઉમેર્યું હતું કે, ચોમાસામાં ગળસુંઢા રોગનું જોખમ વધુ હોય છે ત્યારે પશુઓને આ રોગની રસી ખાસ આપવામાં આવે છે. હાલમાં ચાલતી સઘન રસીકરણ ડ્રાઈવમાં ૧૮ ડૉક્ટર તેમજ ૭૫ પશુધન નિરીક્ષકોને તાલુકા પ્રમાણે કામગીરી સોંપવામાં આવી છે.
આ સાથે તેમણે જે જગ્યાએ પશુઓ વધુ એકઠા થતા હોય કે રહેતા તેવી જગ્યાએ રોગચાળો ન ફેલાય તે માટે રસીકરણ કરાવવા તાલુકા પશુ દવાખાનાનો સંપર્ક કરવા જણાવ્યું છે.





